Site icon Revoi.in

રાજકોટમાં રૈયારોડથી ઉદ્યોગનગર સુધી વીજચોરી સામે PGVCLના મોટાપાયે દરોડા

Social Share

રાજકોટઃ રાજકોટ શહેરમાં પણ વીજળીચોરી બેરોકટોક થઈ રહી છે. સરકારી વીજ કંપનીનો લાઈન લોસ વધતો જતા વીજચોરોને પકડવા માટે સુચના અપાતા પોલીસની મદદ મેળવીને PGVCLની ટીમો ઉતારી ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું,  PGVCLની હેડ ઓફિસની સૂચના બાદ ગુરૂવારે સવારે 8 વાગ્યાથી રાજકોટ સિટી ડિવિઝન -2 હેઠળના  20થી વધુ વિસ્તારોમાં 42 ટીમોએ દરોડા પાડ્યા હતા.. જેમાં 11 KV ના 6 ફીડરનો સમાવેશ કરવામાં આવ્યો હતો. 42 ટીમ દ્વારા 1142 વીજ કનેક્શન ચેક કરવામાં આવ્યા હતા. જેમાં 130 વીજ કનેક્શનમાં વીજચોરી થયાનું માલુમ પડતા 27.45 લાખ રૂપિયાના બિલ ફટકારવામાં આવ્યા હતા.

સૂત્રોના જણાવ્યા મુજબ રાજકોટ શહેરમાં વીજચોરી પકડવા માટે ફરી ઝૂંબેશ શરૂ કરવામાં આવી છે. શહેરના ડઝનબંધ વિસ્તારોમાં સવારથી દરોડા કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી અને લાખો રૂપિયાની વીજચોરી પકડવામાં આવી છે. પીજીવીસીએલ દ્વારા વિજચોરી સામે સૌરાષ્ટ્રવ્યાપી ઝુંબેશ ચલાવાય રહી છે. ગત મહિને સળંગ પાંચ દિવસ રાજકોટ પર ધોંસ બોલાવાયા બાદ ફરી વખત શહેરમાં વીજ ચેકિંગ હાથ ધરવામાં આવ્યુ હતું. શહેરના રૈયારોડ,  ઉદ્યોગનગર, મહિલા કોલેજ તથા લક્ષ્મીનગર સબડીવીઝન હેઠળના સંખ્યાબંધ રહેણાંક- કોમર્શિયલ કોમ્પ્લેક્ષોમાં વીજ કનેકશનોની ચકાસણી હાથ ધરવામાં આવી હતી. સવારથી જુદા-જુદા વિસ્તારોમાં 42 ટીમો ત્રાટકતા વીજચોરોમાં ફફડાટ સર્જાયો હતો.

વીજતંત્રના સૂત્રોએ ઉમેર્યું હતું કે ગવલીવાડ, ઠકકરબાપા, ભીલવાસ, કોલેજવાડી મેઈન રોડ, નવલનગર, કૃષ્ણનગર, ભોલેનાથ, લોહાનગર, ઉદ્યોગનગર કોલોની, ગોંડલરોડના કોમર્સીયલ કનેકશન, વૈશાલીનગર, તીરૂપતીનગર, રૈયારોડની દુકાનો, માયાણી આવાસ, વિશ્ર્વનગર, રાજનગર, ચંદ્રેશનગર જેવા વિસ્તારોમાં કોર્પોરેટ ડ્રાઈવ હેઠળ 42 ટીમો ત્રાટકી હતી. અનેક કનેકશનોમાં ગેરરીતિ, ડાયરેકટ વીજચોરીનો પર્દાફાશ થયો હતો અને લાખોની વીજચોરી પકડવામાં આવી હતી. રાજકોટ સિવાય વીજતંત્ર દ્વારા સુરેન્દ્રનગર તથા કચ્છ જિલ્લામાં પણ વીજચોરી સામે ઝૂંબેશ ચલાવવામાં આવી હતી. અંજાર ડીવીઝન હેઠળના ગાંધીધામ, રામબાગ તથા આદિપુરમાં 30 ટીમો તથા થાન, ચોટીલા, વઢવાણ તથા સુરેન્દ્રનગરમાં 36 ટીમો ત્રાટકી હતી.