Site icon Revoi.in

ડાકોરમાં ફાગણી મેળાનો પ્રારંભ, અમદાવાદથી ડાકોર જતા માર્ગ પર ઠેર ઠેર સેવા કેમ્પો અને 250 ભંડારા

Social Share

અમદાવાદઃ યાત્રાધામ ડાકોર ખાતે ફાગણી પૂનમના મેળાનો દબાદાભેર પ્રારંભ થઈ ગયો છે. ફાગણી પુનમે રણછોડરાયજીના દર્શનનું વિશેષ મહાત્મ્ય હોવાથી લાખો ભાવિક ભક્તોનું ઘોડાપૂર ઉમટશે. ડાકોર ટેમ્પલ કમિટીએ અને જિલ્લા વહીવટી તંત્રએ તમામ પ્રકારની તૈયારીઓ પૂર્ણ કરી લીધી છે. અમદાવાદથી અનેક લોકો ચાલીને ડાકોર જતા હોય છે. જય રણછોડના નારા સાથે પગપાળા સંઘો પણ ડાકોર જવા પ્રયાણ કરશે. હાલ આમદાવાદ-ડાકોર રોડ પર પદયાત્રિઓની વણઝાર જોવા મળી રહી છે, ડાકોર જતાં માર્ગ પર ઠેર ઠેર સેવા કેમ્પો લાગી ગયા છે. 250થી વધુ ભંડારા પણ ચાલુ તઈ ગયા છે. પદયાત્રિઓને નાસ્તો, ચા-પાણી અને ભોજન સહિતની સુવિધાઓ વિનામુલ્યે મળી રહે છે.

ડાકોરમાં ફાગણી પૂનમના લોકમેળામાં લાખો શ્રદ્ધાળુઓ ગુજરાત ભરમાંથી ઉમટશે. ડાકોર તરફના માર્ગો ‘જય રણછોડ માખણ ચોર’ના નાદથી ગુંજી રહ્યા છે. અમદાવાદથી ડાકોર સુધીમાં 250થી વધુ ભંડારા, તેમજ 9 પોલીસ ચેક પોસ્ટ અને 10 વધુ આરોગ્ય કેન્દ્રથી માર્ગ સજ્જ કરવામાં આવ્યો છે. ડાકોરમાં 2000થી વધુ પોલીસ બંદોબસ્તથી સજ્જ રહેશે. ડાકોર ટેમ્પલ કમિટી દ્વારા દર્શનનો કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે.  ફાગણ સુદ તેરસ એટલે કે 23 માર્ચના રોજ મંગળા આરતી સવારે 6:00 કલાકે, ત્યારબાદ  શણગાર આરતી સવારે 9:00 કલાકે, રાજભોગ આરતી બપોરે 12:30 કલાકે, 3:45 વાગે ઉથાપન આરતી થઈ નિત્યક્રમ અનુસાર શયનભોગ, સખડીભોગ આરોગી, અનુકૂળતાએ ઠાકોરજી પોઢી જશે. બીજા દિવસે એટલે કે રવિવારના રોજ સવારે 5:00 વાગે મંગળા આરતી થશે, જે બાદ 8:00 કલાકે શણગારા આરતી અને બપોરે 2 કલાકે રાજભોગ આરતી થશે જે પછી સાંજે 6 વાગે ઉથાપન આરતી થશે.  ત્યારબાદ રાત્રે 8:15 કલાકે નિત્યક્રમ અનુસાર શયનભોગ, સખડીભોગ આરોગી, અનુકૂળતાએ ઠાકોરજી પોઢી જશે.

પૂનમના દિવસે સવારે 4:00 કલાકે મંગળા આરતી થશે. એ બાદ સવારે 9:00 કલાકે શણગાર આરતી, એ પછી બપોરે 3:30 કલાકે રાજભોગ આરતી અને 5:15 વાગે ઉથાપન આરતી તે બાદ સાંજે 5:15 પછી ઠાકોરજી નિત્યક્રમ અનુસાર શયનભોગ, સખડીભોગ આરોગી, અનુકૂળતાએ ઠાકોરજી પોઢી જશે. જ્યારે મંગળવાર 26 માર્ચના રોજ છ 6:45 વાગે મંગળા આરતી થશે. એ બાદ શણગાર આરતી એ બાદ 12:30 વાગે રાજભોગ આરતી એ પછી સાંજે ચાર વાગે ઉથાપન આરતી શયનભોગ, સખડીભોગ આરોગી, અનુકૂળતાએ ઠાકોરજી પોઢી જશે. (File photo)