Site icon Revoi.in

ભાવનગરનું પિરમબેટ પણ પ્રવાસન ક્ષેત્રે વિકાસ ઝંખી રહ્યુ છે, પણ સરકારને રસ નથી

Social Share

ભાવનગરઃ ગુજરાતમાં 1600 કિમીનો દરિયા કિનારો આવેલો છે.સમુદ્રના કાંઠા વિસ્તારમાં પ્રવાસનને વેગ આપવાની દિશામાં સરકાર દ્વારા કામ કરવામાં આવી રહ્યું છે, પરંતુ સરકારની નજરમાં ભાવનગર જિલ્લાના 152 કિ.મી. લાંબા દરિયા કિનારાના એકપણ સ્થળને પ્રવાસન તરીકે વિકસાવવાનું ધ્યાને આવ્યુ નથી. આ માટે જિલ્લાની રાજકીય ઇચ્છાશક્તિનો પણ અભાવ જોવા મળી રહ્યો છે. તાજેતરમાં રાજ્ય સરકાર દ્વારા પિરોટન, બેટ દ્વારકા અને શિયાળબેટને પ્રવાસનના હોટ સ્પોટ બનાવવાની ઘોષણા કરવામાં આવી છે અને તેના માટે 28.95 કરોડના ખર્ચે પ્લાન તૈયાર કરવા માટે સરકાર દ્વારા એજન્સીઓની નિમણૂંક પણ કરી દેવામાં આવી છે. આ અગાઉ નડાબેટ અને સ્ટેચ્યુ ઓફ યુનિટીનો પ્રવાસન સ્થળો માટે વિકાસ કરવામાં આવ્યો હતો અને આજે આ સ્થળો સમગ્ર વિશ્વમાં ખ્યાતિપ્રાપ્ત છે. ત્યારે ભાવનગરના પિરમબેટ પર ઇકલોજી સાથેનું પ્રવાસન સ્થળ વિકસી શકે તેમ છે. લાંબા સમયથી પિરમબેટ જેવું પ્રવાસન માટેનું વિકાસને ઝંખી રહ્યું છે. આ ઉપરાંત ભાવનગર જિલ્લાના 152 કિ.મી. લાંબા દરિયા કાંઠે બીચ ટુરિઝમ, વોટર સ્પોર્ટ્સની શક્યતાઓ પણ રહેલી છે.

ભાવનગર જિલ્લાના ઘોઘા, કૂડા, કોળીયાક, મીઠી વીરડી, ઝાંઝમેર, ગોપનાથ, ભવાની મહુવા જેવા દરિયાકાંઠે પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવાની અનેક શક્યતાઓ ઢબૂરાયેલી પડેલી છે. જિલ્લાના 7 ધારાસભ્યો, રાજ્ય સરકારમાં પુરૂષોત્તમ સોલંકી, વિભાવરી દવે મંત્રી છે, કેન્દ્રમાં મનસુખ માંડવીયા મંત્રી છે, ભારતીબેન શિયાળ સાંસદ અને ભાજપના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ છે, શક્તિસિંહ ગોહિલ રાજ્યસભાના સાંસદ અને કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા છે, પરંતુ જિલ્લામાં પ્રવાસનને વિકસાવવા માટે કોઇ નોંધપાત્ર કામગીરી કરી હોય તેવું ધ્યાને આવ્યુ નથી. પ્રવાસનના આદર્શ સ્થળો છે, અને તેના થકી અનેક રોજગારીઓનું નિર્માણ થઇ શકે. ગ્રામ્યના લોકોને વ્યવસાયોને આધાર મળી શકે. પ્રવાસન સ્થળોના વિકાસ થવાથી રસ્તા, પરિવહન વિકસે તો તેનો આડકતરો લાભ જિલ્લાના ગ્રામ્યજનોને થઇ શકે. જો રાજકીય ઇચ્છાશક્તિ પ્રબળ બને અને જિલ્લાનું હિત હૈયે વસેલું હોય તો પ્રવાસન સ્થળોના વિકાસ માટે કાંઇક કરવા જેવું છે.