નવી દિલ્હી, 3 માર્ચ 2026: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે બજેટ પછીના ‘સસ્ટેનિંગ એન્ડ સ્ટ્રેન્થનિંગ ઇકોનોમિક ગ્રોથ’ વિષય પર આયોજિત વેબિનારને સંબોધિત કર્યો હતો. આ પ્રસંગે તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, પોતાની મજબૂત અર્થવ્યવસ્થાને કારણે ભારત આજે સમગ્ર વિશ્વ માટે આશાનું કિરણ બનીને ઉભર્યું છે. પીએમ મોદીએ દેશના ઉદ્યોગ જગતને વધુ ઉત્પાદન અને શ્રેષ્ઠ ગુણવત્તા પર ધ્યાન કેન્દ્રિત કરવા આહવાન કર્યું હતું.
વડાપ્રધાને વેબિનારની શરૂઆતમાં જ સહભાગીઓના ઉત્સાહને વધાવતા કહ્યું કે, બજેટ વેબિનાર સીરીઝનો આ પ્રયોગ ખૂબ જ સફળ રહ્યો છે. હજારોની સંખ્યામાં નિષ્ણાતો અને સામાન્ય લોકો બજેટના અમલીકરણ માટે જે સૂચનો આપી રહ્યા છે, તે લોકશાહી અને આર્થિક વિકાસ માટે ઉત્તમ ઉદાહરણ છે. તેમણે તમામ સ્ટેકહોલ્ડર્સની સક્રિય ભાગીદારીનું સ્વાગત કર્યું હતું.
પીએમ મોદીએ જણાવ્યું કે, “આજે જ્યારે વૈશ્વિક સપ્લાય ચેઈન રિશેપ થઈ રહી છે, ત્યારે વિશ્વ ભારત તરફ વિશ્વાસની નજરે જોઈ રહ્યું છે. દુનિયા આજે ભરોસાપાત્ર અને ટકાઉ ઉત્પાદન ભાગીદારોની શોધમાં છે અને ભારત પાસે આ તકને ઝડપી લેવાની પ્રબળ ક્ષમતા છે.”
દેશના નિકાસકારો અને ઉત્પાદકોને માર્ગદર્શન આપતા વડાપ્રધાને ત્રણ શબ્દોનો મંત્ર આપ્યો હતો. તેમણે કહ્યું કે, આપણે ઉત્પાદન ક્ષમતા વધારવી પડશે, દેશના ખૂણે ખૂણેથી સંપર્ક સ્થાપિત કરવો પડશે તેમજ હવે સમય વધુમાં વધુ નિકાસ કરવાનો છે. તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે, ભારતની છબી નિકાસ બજારમાં મજબૂત કરવા માટે ‘ક્વોલિટી’ (ગુણવત્તા) સાથે ક્યારેય સમાધાન ન કરવું જોઈએ. ભારત અનેક દેશો સાથે મુક્ત વ્યાપાર કરાર કરી રહ્યું છે, જેનાથી તકોના દ્વાર ખૂલ્યા છે.
વડાપ્રધાને અંતમાં ઉમેર્યું કે આપણી દિશા અને સંકલ્પ બંને સ્પષ્ટ છે. તીવ્ર આર્થિક વિકાસ એ જ ‘વિકસિત ભારત’ની પરિકલ્પનાને સાકાર કરવાનો મુખ્ય આધાર છે. જ્યારે ભારતની અર્થવ્યવસ્થા મજબૂત હશે, ત્યારે જ આપણે વિશ્વની અપેક્ષાઓ પર ખરા ઉતરી શકીશું.
આ પણ વાંચોઃ મધ્ય-પૂર્વના દેશો તાત્કાલિક છોડવા અમેરિકાએ પોતાના નાગરિકોને આપી સૂચના

