Site icon Revoi.in

ટ્રેની IPS અધિકારીઓ સાથે PM મોદીએ કર્યો સંવાદઃ એક ભારત-શ્રેષ્ઠ ભારતનો ઝંડો ઉંચો રાખવા કર્યું સૂચન

Social Share

દિલ્હીઃ દેશમાં 75 વર્ષના સમયગાળામાં સરકારે પોલીસ સર્વિસના નિર્માણ માટે અનેક પ્રયાસો કર્યાં છે. એટલું જ નહીં પોલીસ ટ્રેનિંગ માટે પણ છેલ્લા કેટલાક વર્ષોમાં અનેક સુધારા જોવા મળી રહ્યાં છે. છેલ્લા કેટલાક વર્ષોમાં પોલીસ ફોર્સમાં મહિલાઓની ભાગીદારી વધારવા માટે સતત પ્રયાસો કરાયા છે. મહિલાઓ પોલીસ ફોર્સમાં વિન્રમતા, સહજતા અને સંવેદનશીલતાના મુલ્યોને વધારે મજબૂત બનાવે છે. તેમ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્રેની આઈપીએસ ઓફિસરો સાથે સંવાદમાં કહ્યું હતું. આ પ્રસંગ્રે વડાપ્રધાને કોરોનામાં શહીદ થનારા પોલીસ અદિકારી-કર્મચારીઓને શ્રદ્ધાંજલી પણ અર્પણ કરી હતી.

તેમણે વધુમાં કહ્યું હતું કે, દર વર્ષે પ્રયાસ હોય છે કે, તમારા જેવા યુવાઓ સાથે વાત કરુ અને તમારા વિચારોને જાણું. તમારા વિચારો, સવાલો અને ઉત્સુકતા ભવિષ્યમાં ઉભા થનારા પડકારોનો સામનો કરવા માટે મદદરુપ થશે. તમારે એક ભારત અને શ્રેષ્ઠ ભારતનો ઝંડો ઉંચો રાખવાનો છે. તમારી દરેક કામગીરીમાં નેશન ફર્સ્ટની ભાવના દેખાવી જોઈએ. તમારી સેવાઓ દેશના અલગ અલગ જિલ્લામાં હશે અને એટલે તમારે યાદ રાખવુ પડશે કે, જે પણ નિર્ણય લો તે દેશના હિતમાં હોવો જોઈએ.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વધુમાં ઉમેર્યું હતું કે, તમારી કેરિયરના 25 વર્ષ ભારતના વિકાસના પણ 25 મહત્વના વર્ષ હશે. તમારી તૈયારી આ બાબતને ધ્યાનમાં રાખીને હોવી જોઈએ. કોરોના સામેની લડાઈમાં પોલીસ કર્મચારીઓએ સરાહનીય કામગીરી કરી છે. કેટલાક પોલીસ અધિકારી-કર્મચારીઓ શહીદ પણ થયાં છે. હું તેમને શ્રધ્ધાંજલિ આપુ છું અને તેમના પરિવારો પ્રત્યે સંવેદના પ્રગટ કરુ છું.