Site icon Revoi.in

પીએમ મોદીએ તમામ શ્રમિકો સાથે ફોન પર વાતચીત કરી,તેમના ખબર-અંતર પૂછ્યા

Social Share

દહેરાદૂન: ઉત્તરકાશીના સિલ્ક્યારા ટનલમાં ફસાયેલા 41 મજૂરોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા છે. આ રેસ્ક્યુ ઓપરેશન બાદ દરેકના ચહેરા પર ખુશી જોવા મળી રહી છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ, વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત ઘણા નેતાઓએ શ્રમિકોને અભિનંદન પાઠવ્યા છે અને આ અભિયાનમાં જોડાયેલા તમામ કાર્યકરોનો આભાર વ્યક્ત કર્યો છે. તમામ શ્રમિકોને ટનલમાંથી બહાર કાઢીને મેડિકલ ટીમની દેખરેખ હેઠળ મોકલવામાં આવ્યા છે.

આ પછી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તમામ શ્રમિકો સાથે વાતચીત કરી હતી. તેમણે ફોન પર તેમની તબિયત વિશે પૂછપરછ કરી હતી. આ સાથે તેમણે આશ્વાસન આપ્યું હતું કે હવે તેમને દરેક પ્રકારની સહાય પૂરી પાડવામાં આવશે. અગાઉ, ઉત્તરાખંડ સરકારે આ તમામ 41 મજૂરો માટે 1 લાખ રૂપિયાની રાહત રકમની જાહેરાત કરી હતી. સુરંગમાંથી બહાર આવતાની સાથે જ સીએમ પુષ્કર સિંહ ધામીએ માળા પહેરાવી કાર્યકરોનું સ્વાગત કર્યું હતું.

આ પહેલા વડાપ્રધાને અભિયાનની સફળતા પછી ટ્વિટ કર્યું હતું કે ઉત્તરકાશીમાં અમારા શ્રમિક ભાઈઓના બચાવ અભિયાનની સફળતા દરેકને ભાવુક કરી દેશે. સુરંગમાં ફસાયેલા મિત્રોને હું કહેવા માંગુ છું કે તમારી હિંમત અને ધૈર્ય દરેકને પ્રેરણા આપે છે. હું તમને બધાને કુશળ અને સારા સ્વાસ્થ્યની ઇચ્છા કરું છું.

તેમણે કહ્યું કે આ ખૂબ જ સંતોષની વાત છે કે લાંબી રાહ જોયા બાદ હવે અમારા આ મિત્રો તેમના પ્રિયજનોને મળશે. આ પડકારજનક સમયમાં તેમના પરિવારજનોએ જે ધીરજ અને હિંમત દાખવી છે તેની કદર કરી શકાય તેમ નથી. હું આ બચાવ કાર્ય સાથે જોડાયેલા તમામ લોકોની ભાવનાને પણ સલામ કરું છું. તેમની બહાદુરી અને નિશ્ચયએ આપણા શ્રમિક ભાઈઓને નવું જીવન આપ્યું છે. આ મિશનમાં સામેલ દરેક વ્યક્તિએ માનવતા અને ટીમ વર્કનું અદભૂત ઉદાહરણ સ્થાપિત કર્યું છે.