Site icon Revoi.in

પીએમ મોદી વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા તમામ રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે બેઠક યોજશે : કોરોનાની સ્થિતિ અંગે કરશે વાતચીત

Social Share

દિલ્હી : વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુરુવારે ફરી એકવાર વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા તમામ રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે બેઠક યોજશે. પીએમ મોદીની મુખ્યમંત્રીઓ સાથે આ બેઠક એવા સમયે થઇ રહી છે,જયારે કેટલાક રાજ્યમાં કોરોનાનું સંક્રમણ ખૂબ જ ઝડપથી વધી રહ્યું છે. તો કેટલાક રાજ્યોએ કોરોના પર લગામ લગાવવા માટે ઘણા શહેરોમાં નાઇટ કર્ફ્યુ જેવા નિર્ણયો લીધા છે.તો ઘણા સ્થળોએ કોરોનાનું સંક્રમણ બેકાબૂ બન્યું છે.

રવિવારે પીએમ મોદીએ હાઇ લેવલ મિટિંગ યોજી હતી. આ બેઠકમાં કોરોના અને રસીકરણ સંબંધિત મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી. આ બેઠકમાં કેબિનેટ સચિવ, વડાપ્રધાનના મુખ્ય સચિવ, આરોગ્ય સચિવ અને ડો.વિનોદ પોલ પણ હાજર રહ્યા હતા.

મુખ્યમંત્રીઓ સાથે વડાપ્રધાનની અંતિમ વાતચીત 17 માર્ચે થઇ હતી. જ્યારે તેમણે દેશના કેટલાક ભાગોમાં કોવિડ -19 કેસોમાં વધારા અંગે ચિંતા વ્યક્ત કરી હતી.આ સાથે પીએમ મોદીએ કોરોનાની “ઉભરતી બીજી લહેર” ની તપાસ માટે “ઝડપી અને નિર્ણાયક” પગલા ભરવા હાકલ કરી હતી. કેન્દ્ર સરકારના ઉચ્ચ અધિકારીઓએ કહ્યું છે કે, મહામારી સામે દેશની લડતમાં આગામી ચાર અઠવાડિયા ખૂબ મહત્વના છે.

દેશમાં કોરોના વાયરસના કેસોમાં સતત વધારો થઇ રહ્યો છે અને બુધવારે સૌથી વધુ 1,15,736 નવા કેસ નોંધાયા છે. નવા કેસોમાં મહારાષ્ટ્ર, છત્તીસગઢ, કર્ણાટક, ઉત્તરપ્રદેશ, દિલ્હી, મધ્યપ્રદેશ, તમિલનાડુ અને કેરળની ભાગીદારી 80.70 ટકા હતી. મહારાષ્ટ્રમાં સૌથી વધુ 55,469 કેસ નોંધાયા છે. તો છત્તીસગઢમાં 9,921 અને કર્ણાટકમાં 6150 કેસ નોંધાયા છે

દેવાંશી