Site icon Revoi.in

પીએમ મોદી 23 જાન્યુઆરીએ નેતાજીની 125મી જન્મજયંતિ નિમિત્તે ‘પરાક્રમ દિવસ’કાર્યક્રમને સંબોધિત કરશે

Social Share

દિલ્લી: વડાપ્રધાન નરેન્દ્ર મોદી નેતાજી સુભાષચંદ્ર બોઝની 125મી જન્મજયંતિ નિમિત્તે 23 જાન્યુઆરીએ કોલકતાની મુલાકાત લેશે. વડાપ્રધાન વિક્ટોરિયા મેમોરિયલ ખાતે ‘પરાક્રમ દિવસ’ કાર્યક્રમના ઉદ્દઘાટનની અધ્યક્ષતા કરશે.

આ સિવાય વડાપ્રધાન અસમના શિવસાગરમાં જેરંગા પાથરની પણ મુલાકાત લેશે. જ્યાં તેઓ 1.06 લાખ જમીન પટ્ટા/ફાળવણીનું પ્રમાણપત્ર વિતરણ કરશે. વડાપ્રધાન કાર્યાલય દ્વારા આ માહિતી આપવામાં આવી છે.

સરકારે હવે નેતાજી સુભાષચંદ્ર બોઝની જન્મજયંતિ દર વર્ષે ‘પરાક્રમ દિવસ’તરીકે ઉજવવાનું નક્કી કર્યું છે. બોઝની 125મી જન્મજયંતિ 23 જાન્યુઆરીએ ઉજવવામાં આવશે.

કેન્દ્રીયમંત્રી પ્રહલાદ પટેલે મંગળવારે જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી બોઝની 125મી જન્મજયંતિ નિમિત્તે 23 જાન્યુઆરીએ કોલકતામાં પ્રથમ પરાક્રમ દિવસમાં ભાગ લેશે. અને નેશનલ લાઇબ્રેરી ગ્રાઉન્ડ ખાતે એક પ્રદર્શનનું ઉદ્દઘાટન પણ કરશે.

તેમણે કહ્યું હતું કે, પશ્ચિમ બંગાળના 200 પટુઆ કલાકાર 400 મીટર લાંબા કેનવાસ પર ચિત્રકારી કરશે. જેમાં બોઝના જીવનને દર્શાવવામાં આવશે. પેટ્રોલિયમમંત્રી ધર્મેન્દ્ર પ્રધાન ઓડિશાના કટક ખાતે યોજાનારા એક કાર્યક્રમમાં ભાગ લેશે,જ્યાં બોઝનો જન્મ થયો હતો.

આ સિવાય બોઝની જન્મજયંતિ નિમિત્તે ગુજરાતના સુરતના હરિપુરા ગામમાં કાર્યક્રમનું આયોજન કરવામાં આવશે.જ્યાં બોઝને વર્ષ 1938 માં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના અધ્યક્ષ તરીકે ચૂંટવામાં આવ્યા હતા. મંત્રીએ કહ્યું હતું કે, વડાપ્રધાને નેતાજી સુભાષચંદ્ર બોઝની 125 મી જન્મજયંતિની ઉજવણી માટે 85 સભ્યોની ઉચ્ચ સ્તરીય સમિતિની રચના કરી છે,જે વર્ષભરના કાર્યક્રમોની રૂપરેખા તૈયાર કરશે.

આ વર્ષે એપ્રિલ-મે મહિનામાં પશ્ચિમ બંગાળમાં વિધાનસભાની ચૂંટણીઓ યોજાવાની છે. આ માટે ભારતીય જનતા પાર્ટી રાજ્યમાં પહેલાથી જ ખૂબ સક્રિય જોવા મળી રહી છે. ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ જગત પ્રકાશ નડ્ડા અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ઘણી વખત બંગાળની મુલાકાતે ગયા છે. એવામાં પીએમ મોદીના બંગાળના આગમન સાથે રાજ્યમાં રાજકીય હલચલ તીવ્ર બનશે.

-દેવાંશી