Site icon Revoi.in

પીએમ મોદી નીતિ આયોગ ગવર્નિંગ કાઉન્સિલની છઠ્ઠી બેઠકની અધ્યક્ષતા કરશે, આ મુદ્દાઓ પર થશે ચર્ચા

Social Share

વડાપ્રધાન નરેન્દ્ર મોદી શનિવારે એટલે કે આજે નીતિ આયોગની ગવર્નિંગ કાઉન્સિલની છઠ્ઠી બેઠકની અધ્યક્ષતા કરશે.આ બેઠક વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા યોજાશે. જેમાં કૃષિ,માળખાગત સુવિધા,ઉત્પાદન,માનવ સંસાધન વિકાસ,જમીની સ્તર,આરોગ્ય અને પોષણ અંગે ચર્ચા કરવામાં આવશે. આ દરમિયાન અગાઉની બેઠકના એજન્ડા પર લેવામાં આવેલા પગલાઓની પણ સમીક્ષા કરવામાં આવશે.

આ બેઠકમાં પીએમ મોદીની સાથે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના મુખ્યમંત્રી અને અન્ય કેન્દ્રશાસિત પ્રદેશના લેફ્ટનન્ટ ગવર્નરો સામેલ થશે. આ બેઠકમાં પ્રથમ વખત લદ્દાખ પણ સામેલ થશે. આ સિવાય સંઘ પ્રદેશ તરીકે જમ્મુ પણ બેઠકમાં હાજર રહેશે. આ ઉપરાંત સંચાલકોના નેતૃત્વમાં કેન્દ્રશાસિત પ્રદેશને પણ બેઠકમાં હાજર રહેવા આમંત્રણ અપાયું છે. પીએમ મોદી નીતિ આયોગના ચેરમેન છે.

નીતિ આયોગની ગવર્નિંગ કાઉન્સિલની પહેલી બેઠક 2015 માં મળી હતી. અને ત્યારથી આ બેઠકો નિયમિતપણે યોજાય છે. જો કે,કોરોના મહામારીને લીધે આ બેઠક ગયા વર્ષે યોજાઈ ન હતી. એવું કહેવામાં આવી રહ્યું છે કે, પંજાબના મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહ અસ્વસ્થ હોવા પર આ બેઠકમાં ભાગ લે તેવી સંભાવના નથી. તેમની જગ્યાએ નાણાંમંત્રી મનપ્રીતસિંહ બાદલ સામેલ થઇ શકે છે. તો બીજી તરફ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી પણ આ બેઠકમાં ભાગ લે તેવી શક્યતા ઓછી છે.

નીતિ આયોગની ગવર્નિંગ કાઉન્સિલની પાંચમી બેઠક વર્ષ 2019 માં મળી હતી. પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી, પંજાબના મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહ અને તેલંગાણાના મુખ્યમંત્રી કે.ચંદ્રશેખર રાવ આ બેઠકમાં હાજર ન હતા. આ દરમિયાન વડાપ્રધાને કહ્યું હતું કે, સબકા સાથ,સબકા વિકાસ,સબકા વિશ્વાસના લક્ષ્યો હાંસલ કરવામાં નીતિ આયોગની ભૂમિકા મહત્વપૂર્ણ છે. 2024 સુધીમાં ભારતને 5 ટ્રિલિયન ડોલરનું અર્થતંત્ર બનાવવું પડકારજનક છે,પરંતુ રાજ્યોના પ્રયત્નોથી જ આ લક્ષ્ય હાંસલ કરવું શક્ય છે.

-દેવાંશી