Site icon Revoi.in

PM મોદી આવતીકાલે પલ્લીમાં સોલાર પાવર પ્લાન્ટનું ઉદ્ઘાટન કરશે

Social Share

દિલ્હી:વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતીકાલે રવિવારે રાષ્ટ્રીય પંચાયતી રાજ દિવસ નિમિત્તે કેન્દ્રશાસિત પ્રદેશ જમ્મુ અને કાશ્મીરની મુલાકાત લેશે અને કરોડો રૂપિયાના ઔદ્યોગિક પ્રોજેક્ટના શિલાન્યાસ સમારોહમાં હાજરી આપશે.વડાપ્રધાન કાર્યાલય તરફથી જાહેર કરવામાં આવેલી માહિતી અનુસાર PM મોદી આવતીકાલે જમ્મુ અને કાશ્મીરના સાંબા જિલ્લાના પલ્લી ખાતે 500 KWના સોલાર પાવર પ્લાન્ટનું ઉદ્ઘાટન પણ કરશે, જે કાર્બન ન્યુટ્રલ બનનાર દેશનો પહેલો પ્લાન્ટ બનશે.

PM મોદી આવતીકાલે જમ્મુ અને કાશ્મીરમાં રૂ. 20,000 કરોડથી વધુના વિકાસ પ્રોજેક્ટનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે, જેમાં કેન્દ્રશાસિત પ્રદેશ જમ્મુ-કાશ્મીરના બે ક્ષેત્રો વચ્ચે સર્વ-હવામાન જોડાણ સ્થાપિત કરવા બનિહાલ-કાઝીગુંડ રોડ ટનલનું ઉદ્ઘાટન પણ સામેલ છે.. વડાપ્રધાન કાર્યાલય દ્વારા જારી કરવામાં આવેલા એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે,PM મોદી રાષ્ટ્રીય પંચાયતી રાજ દિવસની ઉજવણીમાં ભાગ લેવા અને દેશભરમાં ‘ગ્રામસભાઓ’ને સંબોધિત કરવા ત્યાં જઈ રહ્યા છે.તેઓ સાંબા જિલ્લાની પલ્લી પંચાયતની પણ મુલાકાત લેશે.

PMO અનુસાર, દેશના દરેક જિલ્લામાં 75 જળાશયોને વિકસાવવા અને તેને પુનર્જીવિત કરવાના પ્રયાસના ભાગરૂપે વડાપ્રધાન મોદી ‘અમૃત સરોવર’ નામની નવી પહેલ શરૂ કરશે.