Site icon Revoi.in

PM મોદી રાજકોટ સહિત 12 રેલવે સ્ટેશનોનું નવિનીકરણ માટે શિલાન્યાસ કરશે

Social Share

રાજકોટઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે આગામી તા. 26મી ફેબ્રુઆરીના રોજ વિડિયો કોન્ફરન્સના માધ્યમથી રાજકોટ સહિત સૌરાષ્ટ્રના 12 રેલવે સ્ટેશનોનું નવિનીકરણ ઉપરાંત રેલવેના 11 જેટલાં ઓવરબ્રિજ-અન્ડરપાસનો શિલાન્યાસ તેમજ  9 અન્ડરપાસનું લોકાર્પણ કરાશે

રેલવેના સૂત્રોના જણાવ્યા મુજબ વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી 26 ફેબ્રુઆરીનાં રોજ વીડિયો કોન્ફરન્સનાં માધ્યમથી 551 સ્ટેશનોના નવીનીકરણ અને 1500 રોડ ઓવરબ્રિજ-અંડરપાસનાં કામોનાં પ્રારંભ માટે રૂ. 40,000 કરોડનો પ્રોજેક્ટ દેશને સમર્પિત કરશે. જેમાં રાજકોટ રેલવે જંકશનની સાથે જ ડિવિઝનના 12 સ્ટેશનોનું નવીનીકરણ ઉપરાંત 11 રોડ ઓવરબ્રિજ-અંડરપાસનાં નિર્માણનો શિલાન્યાસ કરવા સાથે કુલ 9 રોડ અંડરપાસનું ઉદ્દઘાટન વડાપ્રધાનના હસ્તે કરવામાં આવશે. જેમાં રાજકોટના ખંઢેરી, સિંધાવદર રેલવે સ્ટેશનનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે.

સૂત્રોએ વધુમાં જણાવ્યું હતું કે, રાજકોટ ડિવિઝનના 12 સ્ટેશનનો પુનઃવિકાસ કરવામાં આવશે. જેમાં રાજકોટ, જામનગર, મોરબી, વાંકાનેર, ભાટિયા, ખંભાળિયા, દ્વારકા, હાપા, પડધરી, કાનાલુસ, થાન અને ઓખા સ્ટેશનનો સમાવેશ થાય છે. આ તમામ સ્ટેશનોના પુનઃવિકાસનો કુલ ખર્ચ આશરે રૂ. 181.42 કરોડ જેટલો છે. આ સાથે ટ્રાફિકની સમસ્યાના નિરાકરણ માટે રાજકોટ ડિવિઝનમાં ખંઢેરી, ખંભાળિયા, ઓખામઢી, પીપલી, હાપા, જામવંથલી, સિંધાવદર, વાણીરોડ, મોડપુર, ચણોલ, હડમતિયા, લીલાપુર, જગડવા અને લાખામાંચીમાં અલગ અલગ 11 રોડ ઓવરબ્રિજ-અંડરપાસનું શિલાન્યાસ અને 9 રોડ અંડરપાસનું વડાપ્રધાનના હસ્તે ઉદ્દઘાટન કરવામાં આવશે. તમામ ઓવરબ્રિજ-અંડરબ્રિજના નિર્માણનો કુલ ખર્ચ આશરે રૂ. 175.25 કરોડ છે.

સૂત્રોએ ઉમેર્યુ હતું કે, ભારત સરકારે મોડ્યુલર કોન્સેપ્ટ પર વિશ્વ કક્ષાના રેલવે સ્ટેશનના નિર્માણનો પ્રોજેક્ટ શરૂ કર્યો છે, જે અંતર્ગત રાજકોટ રેલવે સ્ટેશનને એક ભવ્ય અને વિશ્વ કક્ષાના સ્ટેશન તરીકે પુનઃવિકાસ કરવામાં આવશે. સુવિધાઓની વાત કરીએ તો સ્ટેશનમાં વર્લ્ડ ક્લાસ બિલ્ડિંગ, બુકિંગ અને પાર્સલ ઓફિસ, લિફ્ટ, એસ્કેલેટર, કોન્સર્સ, એસી વેઇટિંગ રૂમ, અનુકૂળ પાર્કિંગ, આધુનિક કોચ માર્ગદર્શન ડિસ્પ્લે બોર્ડ, વાઇ-ફાઇ, આધુનિક CCTV સિસ્ટમ, પૂરતી લાઇટિંગ વગેરે જેવી સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવશે. રાજકોટ રેલવે સ્ટેશનની જગ્યા ખૂબ જ ટૂંકી છે અને રોજની 15 થી વધુ ટ્રેનની અવરજવર રહે છે. સૌરાષ્ટ્રનું સૌથી મોટું રેલવે સ્ટેશન હોવાથી મુસાફરોને વધુમાં વધુ સારી સુવિધાઓ મળી રહે તે માટે વર્લ્ડ ક્લાસનું બનાવવાનો શિલાન્યાસ વડાપ્રધાન દ્વારા કરવામાં આવશે.