Site icon Revoi.in

પીએમ મોદી આજે ગુજરાતના પ્રવાસે આવશે,વાવાઝોડા બાદની સ્થિતિનું કરશે હવાઈ નિરીક્ષણ

Social Share

અમદાવાદ : હાલ કોરોનાની બીજી ઘાતક લહેર ચાલી રહી છે.આ મહામારી વચ્ચે ‘તાઉ તે’ વાવાઝોડાએ દેશના ઘણા તટીય વિસ્તારોમાં તબાહી મચાવી છે.તોફાન અને તેનાથી થયેલ નુકશાન પર કેન્દ્ર સરકાર સતત નજર રાખી રહી છે.એકતરફ ગૃહમંત્રી અમિત શાહે આ તોફાનથી પ્રભાવિત રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે વાત કરી પરિસ્થિતિ વિશે માહિતી મેળવી હતી, ત્યાં બીજી તરફ વડાપ્રધાન નરેન્દ્ર મોદી બુધવારે એટલે કે આજે ખુદ ગુજરાત અને દીવ આવશે અને વાવાઝોડા બાદની સ્થિતિનું હવાઈ નિરીક્ષણ કરશે.અને ત્યારબાદ અમદાવાદમાં સમીક્ષા બેઠક યોજાશે.

પીએમ મોદી બુધવારે સવારે 11.30 વાગ્યે ભાવનગરના એરપોર્ટ પર પહોંચશે. અહીંથી તેઓ ભાવનગર, અમરેલી, ગીર, સોમનાથ અને દીવનો હવાઈ સર્વે કરશે. આ તે વિસ્તારો છે જ્યાં ચક્રવાત ‘તાઉ તે’એ  સૌથી વધુ નુકસાન કર્યું છે. હવાઈ ​​નિરીક્ષણ બાદ વડાપ્રધાન ગુજરાતની રાજધાની અમદાવાદ પહોંચશે અને અહીં ગુજરાતના મુખ્યમંત્રી અને ઉચ્ચ અધિકારીઓ સાથેની બેઠકમાં ભાગ લેશે.

ચક્રવાત વાવાઝોડાને લીધે દરિયાકાંઠાના વિસ્તારોમાં મોટું નુકસાન થયું છે. વાવાઝોડાને પગલે અનેક જગ્યાએ વૃક્ષો અને વીજ પોલ ઘરશાયી થયા છે. તો કેટલાક મકાનો અને રસ્તાઓને પણ ભારે નુકસાન થયું છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીના નિવેદનમાં જણાવ્યા મુજબ, વાવાઝોડા દરમિયાન 13 લોકોના મૃત્યુ થયા છે. તો, 16,000 થી વધુ મકાનોને નુકસાન પહોંચ્યું છે, જ્યારે 40 હજારથી વધુ વૃક્ષો અને એક હજારથી વધુ વીજ પોલ ધરાશાયી થયા છે.