Site icon Revoi.in

PM નરેન્દ્ર મોદીનું વોશિંગ્ટનમાં ભાવભીનું સ્વાગત કરાયુ, બાઈડન સાથે બેઠક બાદ સંસદને સંબોધશે

Social Share

વોશિંગ્ટનઃ ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમેરિકાના પ્રવાસે છે. આજે મોદી યુએસની પ્રથમ સ્ટેટ વિઝિટ માટે વોશિંગ્ટન પહોંચતા તેમનું ભાવભીનું સ્વાગત કરવામાં આવ્યું હતુ.  જોઇન્ટ બેઝ એન્ડ્રુઝ ખાતે ફ્લાઇટ લાઇન સેરેમની સાથે તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું. મોદીના આગમન ટાણે જ યુએસ એરફોર્સે બંને દેશોના રાષ્ટ્રગીતની ધૂન વગાડી. પીએમ મોદીને યુએસ ચીફ પ્રોટોકોલ ઓફિસર રુફસ ગિફોર્ડે રિસીવ કર્યા હતા. મોદી અમેરિકાના સ્ટેટ ગેસ્ટ બન્યા છે. અને તેમને ગાર્ડ ઓફ ઓનર પણ આપવામાં આવ્યું છે. વોશિંગ્ટનમાં તેમનું સ્વાગત કરવા ભારતીય મૂળના લોકો પણ હાજર રહ્યા હતા.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમેરિકાની યાત્રા દરમિયાન આજે બુધવારે વોશિંગ્ટન પહોચ્યા હતા. જ્યાં તેમનું ભાવભીનું સ્વાગત કરવામાં આવ્યું હતુ. વડાપ્રધાન મોદી અમેરિકાના રાષ્ટ્રપતિ જો. બાઈડન સાથે દ્વિપક્ષી વાર્તાલાપ કરશે. અને અમેરિકી કોંગ્રેસના સંસદના સંયુક્ત સત્રને સંબોધશે.

વોશિંગ્ટનની મુલાકાત  પહેલા તેમણે યુએન હેડક્વાર્ટર ખાતે આયોજિત આંતરરાષ્ટ્રીય યોગ દિવસના કાર્યક્રમમાં ભાગ લીધો હતો. જ્યાં તેમની હાજરી વર્લ્ડ રેકોર્ડ બન્યો છે. વિશ્વમાં પ્રથમ વખત 135 દેશોના પ્રતિનિધિઓએ એકસાથે યોગ કર્યા હતા. આ પછી ગિનીઝ વર્લ્ડ રેકોર્ડના અધિકારી માઈકલ એમ્પ્રિકે યુએનમાં ભારતના રાજદૂત રૂચિરા કંબોજને વર્લ્ડ રેકોર્ડનું પ્રમાણપત્ર આપ્યું હતું.

વડાપ્રધાન મોદીએ યોગ કાર્યક્રમમાં કહ્યું હતું કે, યોગનો અર્થ છે – યુનાઈટેડ. મને યાદ છે કે અહીં મેં 21મી જૂને આંતરરાષ્ટ્રીય યોગ દિવસનો પ્રસ્તાવ મૂક્યો હતો. આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઊજવણી માટે સમગ્ર વિશ્વ ભારતની સાથે એકસાથે આવ્યું એનો આનંદ છે. યોગ એ ભારતની જૂની સંસ્કૃતિ છે અને તેના પર કોઈનો કોપીરાઇટ નથી. યોગનો કાર્યક્રમ યુએનના નોર્થ લૉનના ગાર્ડનમાં યોજાયો હતો. જેમાં ન્યૂયોર્કના મેયર એરિક એડમ, શેફ વિકાસ ખન્ના, સંયુક્ત રાષ્ટ્ર મહાસભાના પ્રમુખ સબા કોરોસી સહિત 135 દેશોના પ્રતિનિધિઓએ ભાગ લીધો હતો. વડાપ્રધાન મોદીએ કહ્યું હતું કે, યોગ ઘરે કે બહાર ગમે ત્યાં કરી શકાય છે. એ ફ્લેક્સિબલ છે. આ બધી સંસ્કૃતિઓ માટે છે. યોગ જીવન જીવવાની એક રીત છે. યોગ પોતાની સાથે અને વિશ્વ સાથે શાંતિથી રહેવાની રીત શીખવે છે. ગત વર્ષે ભારતના ઈન્ટરનેશનલ યર ઓફ મિલેટ્સ માટે આખું વિશ્વ એકસાથે આવ્યું હતું, આજે યોગ માટે સમગ્ર વિશ્વને એકસાથે જોવાનું સારું લાગે છે.