Site icon Revoi.in

PNB કૌભાંડ: મેહુલ ચોકસીને બેલ્જિયમની સુપ્રીમ કોર્ટનો મોટો ઝટકો

Social Share

નવી દિલ્હી: હજારો કરોડના બેન્કિંગ કૌભાંડના મુખ્ય આરોપી અને ભાગેડુ હીરા વેપારી મેહુલ ચોકસીને વિદેશી ધરતી પર મોટો કાનૂની ફટકો પડ્યો છે. બેલ્જિયમની સર્વોચ્ચ અદાલત ‘કોર્ટ ઓફ કેસેશન’એ ભારત પ્રત્યાર્પણ વિરુદ્ધની મેહુલ ચોકસીની અરજીને ફગાવી દીધી છે. કોર્ટે સ્પષ્ટ કર્યું છે કે, ચોકસીના તર્કોમાં કોઈ દમ નથી અને તે પ્રત્યાર્પણ રોકવા માટે કોઈ કાયદાકીય કે તથ્યાત્મક આધાર રજૂ કરવામાં નિષ્ફળ રહ્યો છે.

મેહુલ ચોકસીએ એવી દલીલ કરી હતી કે, જો તેને ભારત મોકલવામાં આવશે તો તેની સાથે અમાનવીય વ્યવહાર થશે અને તેને ન્યાયથી વંચિત રાખવામાં આવશે. જોકે, કોર્ટે 104 યુરોનો દંડ ફટકારતા જણાવ્યું હતું કે ચોકસીએ રજૂ કરેલા દસ્તાવેજો એ સાબિત કરવા માટે અપૂરતા છે કે તેને ભારતમાં કોઈ ગંભીર ખતરો છે. અપીલ કોર્ટે અગાઉ લીધેલા નિર્ણયને સર્વોચ્ચ અદાલતે માન્ય રાખ્યો છે.

ભારત સરકારે બેલ્જિયમની કોર્ટને ખાતરી આપી છે કે, ચોકસીને ભારતમાં સંપૂર્ણ સુરક્ષા આપવામાં આવશે. જેલ વ્યવસ્થા, માનવાધિકારો અને મેડિકલ સુવિધાઓ અંગે ભારતે આપેલા લેખિત આશ્વાસનો પર બેલ્જિયમની કોર્ટે ભરોસો મૂક્યો છે. કોર્ટે માન્યું કે ભારતની પ્રત્યાર્પણ પ્રક્રિયા યુરોપિયન માનવાધિકાર ધોરણોને અનુરૂપ છે અને ચોકસીને ભારતમાં નિષ્પક્ષ સુનાવણીની પૂરી તક મળશે.

સીબીઆઈ (CBI) ના આરોપનામા મુજબ, પંજાબ નેશનલ બેન્કના કુલ 13000 કરોડ રૂપિયાના કૌભાંડમાંથી માત્ર મેહુલ ચોકસીએ જ 6400 કરોડ રૂપિયાની હેરાફેરી કરી છે. મુંબઈની વિશેષ અદાલતે જારી કરેલા ધરપકડ વોરંટના આધારે ભારત સરકારે 27 ઓગસ્ટ, 2024 ના રોજ બેલ્જિયમને પ્રત્યાર્પણ માટે વિનંતી મોકલી હતી.

Exit mobile version