Site icon Revoi.in

રાજકોટમાં ગેરકાયદે બાંધકામો રેગ્યુલર કરવાના ઈમ્પેક્ટ ફીના કાયદાને નબળો પ્રતિસાદ

Social Share

રાજકોટઃ  રાજ્યના મહાનગરોમાં ગેરકાયદે બાંધકામોને રેગ્યુલર કરવા માટે રાજ્ય સરકારે વિધાનસભામાં ઈમ્પેક્ટ ફીનો કાયદો ઘડ્યો હતો. જેમાં ગેરકાયદે બાંધકામોને રેગ્યુલર કરવામાં આવે છે. પરંતુ આ ઈમ્પેક્ટ ફી યોજનાને રાજકોટ શહેર યોગ્ય પ્રતિસાદ મળ્યો નથી. લોકોને પોતાના ગેરકાયદે બાંધકામોને નિયમબદ્ધ કરવામાં કોઈ રસ દેખાતો નથી. દોઢ મહિનામાં માત્ર 150 જેટલી જ અરજીઓ આવી છે. જ્યારે શહેરમાં ગેરકાયદે બાંધકામોને રાફડો છે. તેથી હવે મ્યુનિ.કોર્પોરેશનના સત્તાધિશો દ્વારા હવે ગેરકાયદે બાંધકામો સામે ઝૂંબેશ શરૂ કરશે.

રાજકોટ શહેરમાં પણ અન્ય મહાનગરોની જેમ  ચૂંટણી પૂર્વે ગેરકાયદે બાંધકામો નિયમબદ્ધ કરવાની તક આપતી ઇમ્પેક્ટ ફી યોજનાનો અમલ શરૂ થયો હતો. પરંતુ દોઢ મહિનાથી વધુ સમય નીકળી જવા છતાં રાજકોટમાં અઢીસો જેટલી અરજી માંડ આવતા હવે તંત્ર દ્વારા અનિયમિત બાંધકામો સામે તુરંતમાં કાર્યવાહી શરૂ થાય તેવા નિર્દેશ છે. જાન્યુઆરી માસથી ફરી ઓપરેશન અને માર્જીન-પાર્કિંગના દબાણ તોડવા તંત્ર રોડ પર ઉતરશે. મ્યુનિ.ના સંલગ્ન વિભાગના અધિકારીઓએ ગેરકાયદે બાંધકામો અંગે યાદી પણ તૈયાર કરી દીધી છે.

સૂત્રોએ જણાવ્યું હતું કે, થોડા વર્ષ અગાઉ રાજ્ય સરકારે ગેરકાયદે બાંધકામો નિયમોને આધિન રેગ્યુલર કરવા સ્કીમ બહાર પાડી હતી. જે તે સમયે પણ આ યોજનાને બહુ મોટો પ્રતિસાદ મળ્યો નહોતો. પરંતુ મોટાપાયે બાંધકામ ખડકનારા, કોમર્શિયલ યુઝ કરનારા અને ધંધાદારી લોકોએ અરજીઓ મૂકીને, ફી ભરીને આ બાંધકામો નિયમબદ્ધ કરાવ્યા હતા. પાર્કિંગના દબાણો માટે આકરા નિયમો હતા. અન્યત્ર વૈકલ્પિક પાર્કિંગ માગવામાં આવ્યા હતા. આ યોજના હેઠળ કોમ્પ્લેક્સ, શૈક્ષણિક સંસ્થાઓ, હોસ્પિટલો સહિતની અનેક મિલકતો રેગ્યુલર થઈ ગઈ હતી. પરંતુ સરકારનો હેતુ હતો એ રહેણાંક વિસ્તારના લોકો ઉદાસીન રહ્યા હતા. રાજકોટ સહિત રાજ્યમાં ગેરકાયદે બાંધકામનો મુદ્દો અવારનવાર કોર્ટમાં પણ ઉઠે છે. આવા બાંધકામોના ડિમોલિશન કરવા પડે તો રહેણાંક આસામીઓને સૌથી મોટી તકલીફ થાય તેમ છે. આથી સરકારે વિધાનસભાની ચૂંટણી પૂર્વે વધુ એક વખત ઇમ્પેક્ટ ફીની યોજના આપવાનો નિર્ણય લીધો હતો. જાહેરનામાના થોડા દિવસો પહેલા આ સ્કીમ જાહેર થઇ હતી. પરંતુ ચૂંટણી પર તેનો પૂરતો પ્રચાર થયો નહોતો. પ્રક્રિયા પણ થોડી અટપટી હોય, તંત્ર દ્વારા આર્કિટેક્ટ અને સિવિલ એન્જિનિયરને માર્ગદર્શન પણ અપાયું હતું. રાજકોટમાં રહેણાંક સહિત આવા બાંધકામોની સંખ્યા 30 હજાર જેવી હોવાનો અંદાજ થોડા સમય અગાઉ જનરલ બોર્ડમાં વ્યક્ત કરવામાં આવ્યો હતો. ઘર માલિકો આ યોજનાનો વધુમાં વધુ લાભ લે તેવો ઇરાદો તંત્રનો છે. પરંતુ લોકો પૂરો રસ લેતા નથી. આથી આવા નોટીસવાળા બાંધકામો સામે કાર્યવાહી શરૂ કરાશે.

 

Exit mobile version