Site icon Revoi.in

પોરબંદરઃ કડકડતી ઠંડીમાં ફુટપાથ ઉપર સૂઈ જતા 15 શ્રમિકોને શેલ્ટર હોમમાં આશ્રય અપાયો

Social Share

અમદાવાદઃ છેલ્લા ઘણા દિવસોથી પોરબંદર શહેર સહિત જિલ્લામાં ઠંડી વધુ પડતી હોવાથી ફુટપાથ-સ્લમ વિસ્તારમાં રહેતા નાગરિકોના સહારે નગરપાલિકા આવી છે. પોરબંદર છાંયા-નગરપાલિકા દ્રારા શહેરના જુદા-જુદા સ્થળોએ ફુટપાથ પર રહેતા નાગરિકોને શેલ્ટર હોમમાં આશ્રય   આપીને 15 જેટલા નાગરિકોને કાતિલ ઠંડીના મોજાથી બચાવ્યા છે. આશ્રીતોને ભગવતી ફરતુ અન્નક્ષેત્રના સહકારથી ભોજન મળી રહે છે.

શિયાળામાં ઠંડીથી બચવા માટે લોકો ગરમ કપડા પહેરવાની સાથે ઘરમાં પુરાઇને બારી-દરવાજા બંધ કરીને બહારથી આવતી ઠંડી સામે પોતાને તથા પોતાના પરિવારને સુરક્ષા પુરી પાડતા હોય છે, પરંતુ ફુટપાથ કે સ્લમ વિસ્તારમાં રહેતા નાગરિકો ક્યારેક કફોડી સ્થિતિમાં મુકાઇ જતા હોય છે. પોરબંદરમાં ફુટપાથ પર રહેતા નાગરિકોને ઠંડીથી બચાવવા માટે જિલ્લા કલેકટર અશોક શર્માએ સંવેદનશીલ નિર્ણય લીધો છે. શહેરમાં ફુટપાથ પર રહેતા એકપણ નાગરિક ઠંડીથી ઠુઠવાઇ ન જાય અને તેઓને સુરક્ષિત સ્થળે આશ્રય મળે તે માટે નગરપાલિકાની ટીમ બનાવવામાં આવી છે. પોરબંદર-છાંયા નગરપાલિકા ચીફ ઓફીસરના સંકલનમાં નગરપલિકાના એન.યુ.એલ.એમ વિભાગ, હેલ્થ ઓફીસર, સેનીટેશન સ્ટાફ સહિત સ્ટાફ દ્રારા શહેરના રેલવે સ્ટેશન, બસ સ્ટેશન ચોપાટી સહિતના વિસ્તારોમાં ટીમ બનાવીને ફુટપાથ પર રહેતા નાગરિકોને ઠંડીથી રાહત મળે તે માટે સુરક્ષિત સ્થળે આશ્રય આપવામાં આવી રહ્યો છે. આશ્રિતોને ટ્રસ્ટના સહકારથી ભોજન પણ મળી રહે છે.