Site icon Revoi.in

સુરતમાં પોસ્ટની રેલ ગતિ શક્તિ કાર્ગો સેવાને મળ્યો સારો પ્રતિસાદ, 1200 ટન પાર્સલો મોકલાયાં

Social Share

સુરતઃ શહેરમાં ટેક્સટાઈલ ઉદ્યોગ અનેક લોકોને રોજગારી આપી રહ્યો છે. શહેરની અનેક કાપડ મિલો-પાવરલૂમ દ્વારા સાડીઓ સહિત તૈયાર કરાતા કાપડના પાર્સલોને દેશભરના શહેરોમાં મોકલવામાં આવે છે. હવે તો પરપ્રાંતના વેપારીઓ ઓનલાઈન ઓર્ડર આપીને કાપડ મંગાવી રહ્યા છે. ત્યારે શહેરના વેપારીઓને અન્ય શહેરોમાં પાર્સલો મોકલવામાં મુશ્કેલી પડતી હતી, આથી પોસ્ટ અને રેલવે વિભાગ  દ્વારા રેલ ગતિ શક્તિ એક્સપ્રેસ કાર્ગો સેવા શરૂ કરાતા એનો સારોએવો પ્રતિસાદ મળ્યો છે. જેમાં એક વર્ષમાં 1200 ટનથી વધુ પાર્સલો મોકલવામાં આવ્યા છે. વેપારીઓને પણ પોસ્ટની કાર્ગો સેવા માફક આવી ગઈ છે,

સુરતના ટેક્સટાઈલ વેપારીઓ તેમના પાર્સલ સરળતાથી અને ઝડપથી મોકલી શકે તે માટે પોસ્ટ અને રેલવે વિભાગ દ્વારા સેવા શરૂ કરવામાં આવી હતી. આ સેવા સુરતથી વારાણસી, ગોરખપુર અને મુઝ્ફરપુર સુધી વર્ષ 2021ના માર્ચ મહિનામાં શરૂ કરવામાં આવી હતી. જેમાં અત્યાર સુધીમાં 1200 ટન જેટલા ટેક્સટાઈલના પાર્સલો મોકલવામાં આવ્યા છે. અત્યાર સુધીમાં કુલ 139 ટ્રેનોની ટ્રિપ લાગી છે. જેમાંથી 110 ટ્રીપ વારાણસી, 27 ટ્રિપ મુઝફ્ફરપુર અને 2 ટ્રીક ગોરખપુરની લાગી છે. રોડ મારફત પાર્સલ મોકલવામાં આવે છે તેના કરતાં પોસ્ટ અને રેલવેની આ સેવા દ્વારા પાર્સલ ઝડપથી પહોંચતા હોવાથી વેપારીઓ લાભ લઈ રહ્યા છે.

સૂત્રોએ જણાવ્યું હતું કે, સુરત શહેરના કાપડ વેપારીઓ વારાણાસી, ગોરખપુર અને મુઝફ્ફરપુર પાર્સલ રોડ મારફત મોકલે તો 4થી 5 દિવસનો સમય લાગે છે. વળી, ટ્રાન્સપોર્ટર્સ ડોર ટુ ડોર સેવા આપતા હોતા નથી, જ્યારે પોસ્ટ વિભાગ ડોર ટુ ડોર ડિલિવરી સેવા આપે છે, જેથી સુરતના વેપારીઓને આ સેવા માફક આવી જતાં પાર્સલો મોકલીને મોટા પ્રમાણમાં લાભ લઈ રહ્યા છે. દરમિયાન સુરત પોસ્ટ વિભાગના સૂત્રોના કહેવા મુજબ શહેરના વેપારીઓ ટેક્સટાઈલના પાર્સલ રસળતાથી મોકલી શકે તે માટે પોસ્ટ વિભાગ દ્વારા આ સેવા શરૂ કરવામાં આવી હતી. રોડ મારફતે પાર્સલ મોકલવામાં આવે તેના કરતાં બેથી ત્રણ દિવસ પાર્સલ વહેલા ડિલિવર થઈ જાય છે.