Site icon Revoi.in

અમદાવાદમાં વરસાદને લીધે રોડ પર પડેલા ખાડાઓ 15મી સપ્ટેમ્બર સુધીમાં પુરી દેવાશે

Social Share

અમદાવાદઃ શહેરમાં વરસાદને કારણે રોડ-રસ્તાઓ બિસ્માર બની ગયા છે. દરેક વિસ્તાર અને વોર્ડમાં એવો રોડ નહીં જોવા મળે કે જ્યાં ખાડા ન પડ્યા હોય. મુખ્ય રોડ ઉપર પણ ખાડા જોવા મળે છે, વિધાનસભાની ચૂંટણીનું વર્ષ હોવાથી લોકોના રોષનો ભાગ ન બનવું પડે તે માટે શહેરના તમામ રોડ પરના ખાડા ડામરથી પુરી દેવાની સુચના મળતા તમામ રોડ પરના ખાડાઓ 15મી સપ્ટેમ્બર સુધીમાં પુરી દેવાશે, અમદાવાદ મ્યુનિ.કોર્પોરેશનની રોડ કમિટીના કહેવા મુજબ શહેરમાં રોડ પર 25000 જેટલાં ખાડા પડેલા છે, તેની મરામતના કામોના ઓર્ડર આપી દેવાયા છે.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) તંત્ર દ્વારા 13 જુલાઈથી 21 ઓગસ્ટ સુધીમાં 25200થી વધુ ખાડા પુરી દીધા હોવાનો દાવો કરવામાં આવ્યો છે અને હજી 30 ટકા જેટલા ખાડા પુરવાના બાકી છે. રોડ એન્ડ બિલ્ડિંગ કમિટીના ચેરમેન મહાદેવ દેસાઈએ જણાવ્યું હતું કે, 15 સપ્ટેમ્બર પહેલા શહેરમાં પડેલા તમામ ખાડાઓ પુરી દેવામાં આવશે. 1 સપ્ટેમ્બરથી હોટ મિક્સ પ્લાન્ટ શરૂ થવા જઇ રહ્યો છે, જેથી ઝડપથી આ કામગીરી કરવામાં આવશે,  તેમણે ઉમેર્યુ હતું કે, અમદાવાદમાં એક જ દિવસમાં 18 ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો. શહેરમાં નાના-મોટા ખાડા પડ્યા હતા. જેમાં 70થી 80 ટકા જેટલા ખાડા હોટ અને કોલ્ડ મિક્ષથી પૂરા કરી દીધા છે. ખાડા પૂર્યા બાદ તેની ઉપરથી વાહનો પસાર થતાં મટિરિયલ પકડી જાય છે, જેથી હવે 1 સપ્ટેમ્બરથી દરેક હોટ મિક્સ પ્લાન્ટ શરૂ થશે. રોડ કમિટીમાં 15 સપ્ટેમ્બર સુધીમાં ખાડા પૂરી દેવાનો નિર્ણય લેવામાં આવ્યો છે અને અધિકારીઓને સૂચના આપવામાં આવી છે. DLP રોડ એકપણ તૂટ્યો ન હોવાનો દાવો પણ તેઓએ કર્યો હતો.