અમદાવાદઃ ગુજરાતમાં ધો-10 અને 12ની બોર્ડની પરીક્ષા મે મહીનામાં યોજવામાં આવશે. જો કે, ધો-10ની પ્રાયોગિક પરીક્ષા તા. 15મી એપ્રિલથી શરૂ કરવા માટે બોર્ડ દ્વારા વિવિધ શાળાઓને સૂચના આપી છે. સ્કૂલોમાં તા. 15મી એપ્રિલથી 17મી એપ્રિલ સુધી પરીક્ષા યોજવામાં આવશે. પરીક્ષા પૂર્ણ થયા બાદ બોર્ડની વેબસાઈટ ઉપર ગુણ પણ મુકવામાં આવશે. ધો-10માં મરજીયાત બે વિષયની પરીક્ષા શાળામાં જ લેવામાં આવશે.
પ્રાપ્ત માહિતી અનુસાર ગુજરાતમાં કોરોના મહામારીને પગલે સ્કૂલ-કોલેજમાં શિક્ષણ કાર્ય બંધ હતું. જો કે, વિદ્યાર્થીઓને ઓનલાઈન એજ્યુકેશન આપવામાં આવી રહ્યું છે. તાજેતરમાં જ સરકાર દ્વારા ધો-9થી 12ના વર્ગો શરૂ કરવામાં આવ્યાં છે. તેમજ કોલેજના પ્રથમ વર્ષના વર્ગો પણ શરૂ કરવામાં આવ્યાં છે. આ ઉપરાંત ધો-9થી 12ના વિદ્યાર્થીઓને ઓનલાઈન એજ્યુકેશન પણ આપવામાં આવી રહ્યું છે. દરમિયાન કોરોનાનું સંક્રમણ ઘટતા તાજેતરમાં જ શિક્ષણ બોર્ડ દ્વારા ધો-10 અને 12ની પરીક્ષાની તારીખ જાહેર કરવામાં આવી છે. બોર્ડની પરીક્ષાઓ 10મી મેથી શરૂ થશે. ધો-10 અને 12ની પરીક્ષા માટે બોર્ડ દ્વારા તૈયારીઓ પણ શરૂ કરી દેવામાં આવી છે. જો કે, એ પહેલા એપ્રિલ મહિનામાં ધો-10ના વિદ્યાર્થીઓની પ્રાયોગિક પરીક્ષા યોજવામાં આવશે. સ્કૂલમાં જ વિદ્યાર્થીઓની પરીક્ષા લેવામાં આવશે.