Site icon Revoi.in

રાજકોટમાં PM આગમનને લીધે તડામાર તૈયારીઓ, 14 રસ્તા બંધ કરાયા, ફ્લાઈઓવર બ્રિજ શણગારાયો

Social Share

રાજકોટઃ શહેર નજીક નવ નિર્મિત આંતરરાષ્ટ્રીય એરપોર્ટ તેમજ શહેરમાં ફ્લાઈઓવરબ્રિજ સહિત વિકાસ કામોના લોકાર્પણ માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી તા.27મીને ગુરૂવારે રાજકોટની મુલાકાતે આવી રહ્યા હોવાથી વહિવટી તંત્ર દ્વારા વડાપ્રધાનના આગમનને લઈને ધૂમ તૈયારીઓ કરવામાં આવી રહી છે. વડાપ્રધાનના હસ્તે લોકાર્પણ થનારો પ્રથમ કેકેવી ફ્લાય ઓવરબ્રિજને તિરંગો શણગાર કરાયો છે. જેને લઈને આ બ્રિજ PM મોદીની પ્રતીક્ષામાં દેશભક્તિનાં રંગે રંગાયો હોવાનું લાગી રહ્યું છે. વિકાસના રાજમાર્ગ એવા કાલાવડ રોડ ઉપર અંદાજીત રૂ.129.35 કરોડના ખર્ચે નિર્માણ પામેલો આ બ્રિજ ખુલ્લો મુકવામાં આવતા અંદાજે બે લાખ લોકોને તેનો લાભ મળશે અને ટ્રાફિક સમસ્યાથી છુટકારો મળવાની સાથે સમય અને ઇંધણની બચત થશે. વડાપ્રધાનના આગમનને લીધે ટ્રફિકની વ્યવસ્થા જાળવવા માટે રેસકોર્સની આસપાસના 14 રસ્તાઓ કાર્યક્રમના દિવસે પ્રતિબંધિત જાહેર કરાયા છે.

શહેર નજીક હિરાસર એરપોર્ટનું લોકાર્પણ કરવા આગામી તા.27ને ગુરૂવારે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી રાજકોટ આવી રહ્યા છે. લોકાર્પણ સાથે રેસકોર્સ મેદાનમાં જાહેરસભાનું પણ આયોજન કરાયેલું હોય ટ્રાફિક સમસ્યા સર્જાઇ નહીં તે માટે રેસકોર્સની આસપાસના 14 રસ્તાને કાર્યક્રમના દિવસ માટે પ્રતિબંધિત જાહેર કરવામાં આવ્યા છે. પોલીસ કમિશનરે આ માટે પ્રસિદ્ધ કરેલા જાહેરનામામાં પાર્કિંગ વ્યવસ્થા પણ નિશ્ચિત કરવામાં આવી છે.

પોલીસ કમિશનરના જાહેરનામામાં જણાવ્યું હતું કે, ગીતગુર્જરી શેરી તરફથી એરપોર્ટ સર્કલ, રેસકોર્સ તરફ કોઇપણ પ્રકારના વાહનો જઇ શકશે નહીં, આમ્રપાલી અંડરબ્રિજથી જૂની એનસીસી તરફ જઇ શકાશે નહીં, પોલીસ હેડ ક્વાર્ટર સર્કલથી જૂની એનસીસી તરફ પ્રતિબંધિત રહેશે, એસપીના બંગલાથી રેસકોર્સ રિંગ રોડ, આદિત્ય બિલ્ડિંગથી બહુમાળીથી રેસકોર્ષ, ચાણક્ય બિલ્ડિંગ ચોકથી બહુમાળી ભવન, સર્કિટહાઉસ ગેટ આકાશવાણી રોડથી ગેલેક્સી 12 માળ બિલ્ડિંગ તરફ, ફૂલછાબ ચોકથી જિલ્લા પંચાયત ચોક, કિસાનપરા ચોક તરફ, યાજ્ઞિક રોડ ઠક્કરબાપા છાત્રાલયથી જિલ્લા પંચાયત ચોક, હરિભાઇ હોલ યાજ્ઞિક રોડથી ભારત ફાસ્ટ ફૂડ, વિરાણી ચોક, ગોડાઉન ચોકથી મહિલા અંડરબ્રિજ, કોટેચા ચોક, સ્વામિનારાયણ મંદિરથી મહિલા અંડરબ્રિજ, કિસાનપરા ચોક, આમ્રપાલી બ્રિજ અને કિસાનપરા ચોક જવા તરફ તેમજ ટ્રાફિક શાખાથી પોલીસ હેડ ક્વાર્ટર સર્કલ તરફ તમામ પ્રકારના વાહનો માટે બંધ કરવામાં આવેલ છે. ઉપરોક્ત રસ્તાઓ તા.26ના સાંજે 4થી સાંજના 5 વાગ્યા સુધી તેમજ તા.27ના બપોરના 12.30 વાગ્યાથી કાર્યક્રમ પૂરો ન થાય ત્યાં સુધી પ્રવેશબંધ અને નો-પાર્કિંગ જાહેર કરાયા છે.

પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે, શહેરના ​​​​​​​ગીતગુર્જરી મેઇન રોડથી આરાધના સોસાયટી મેઇન રોડથી રેલવે ટ્રેક અને રૈયા રોડ કોટેચા ચોક તરફ જઇ શકાશે. ચાણક્ય બિલ્ડિંગ ચોકથી તમામ પ્રકારના વાહનો શ્રોફ રોડથી ટ્રાફિક શાખા, જામનગર રોડથી જઇ શકાશે. સર્કિટહાઉસ આઉટ ગેટ આકાશવાણી રોડથી તમામ પ્રકારના વાહનો ચાણક્ય બિલ્ડિંગ ચોકથી શ્રોફ રોડથી ટ્રાફિક શાખાથી જામનગર રોડ તરફ જઇ શકાશે. ફૂલછાબ ચોકથી જિલ્લા પંચાયત ચોક તરફ જવા માટે તમામ પ્રકારના વાહનો ચાણક્ય બિલ્ડિંગ ચોકથી શ્રોફ રોડથી ટ્રાફિક શાખાથી જામનગર રોડ તરફ જઇ શકાશે.