નવી દિલ્હી, 6 જૂન 2026: બોમ્બે હાઈકોર્ટના ન્યાયતંત્રને લઈને કેન્દ્ર સરકાર તરફથી એક મહત્વના સમાચાર સામે આવ્યા છે. ભારતના રાષ્ટ્રપતિએ બંધારણ દ્વારા આપવામાં આવેલી સત્તાઓનો ઉપયોગ કરીને બોમ્બે હાઈકોર્ટના 6 એડિશનલ (વધારાના) જજિસને પરમેનન્ટ (કાયમી) જજ તરીકે નિયુક્ત કર્યા છે. આ મહત્વપૂર્ણ નિર્ણય ભારતના મુખ્ય ન્યાયમૂર્તિ (ચીફ જસ્ટિસ ઓફ ઈન્ડિયા) સાથે યોગ્ય પરામર્શ કર્યા બાદ લેવામાં આવ્યો છે. ભારત સરકારના સંયુક્ત સચિવ જગન્નાથ શ્રીનિવાસન દ્વારા બહાર પાડવામાં આવેલી સત્તાવાર યાદી અનુસાર, બોમ્બે હાઈકોર્ટમાં લાંબા સમયથી એડિશનલ જજ તરીકે ફરજ બજાવતા વરિષ્ઠ ન્યાયમૂર્તિઓની કાયમી ધોરણે બદલી-બઢતી કરવામાં આવી છે. રાષ્ટ્રપતિના આ આદેશ બાદ હાઈકોર્ટની ન્યાયિક પ્રક્રિયાને વધુ વેગ મળશે.
બોમ્બે હાઈકોર્ટમાં ન્યાયમૂર્તિ સુશ્રી નિવેદિતા પ્રકાશ મહેતા, પ્રફુલ્લ સુરેન્દ્રકુમાર ખુબાલકર, અશ્વિન દામોદર ભોબે, રોહિત વાસુદેવ જોશી, અદ્વૈત મહેન્દ્ર સેઠના અને પ્રવિણ શેષરાવ પાટીલની નિમણુંક કરવામાં આવી છે. કાનૂની નિષ્ણાતોના મતે, બોમ્બે હાઈકોર્ટ જેવા મોટા ન્યાયક્ષેત્રમાં એકસાથે ૬ એડિશનલ જજોને કાયમી દરજ્જો મળવાથી કેસોના ઝડપી નિકાલમાં મોટી મદદ મળશે. હાઈકોર્ટમાં પડતર કેસોનું ભારણ ઘટાડવા અને વહીવટી પ્રક્રિયાને વધુ ચુસ્ત બનાવવા માટે આ નિર્ણય ખૂબ જ મહત્વપૂર્ણ સાબિત થશે. તમામ નવ નિયુક્ત કાયમી જજો ટૂંક સમયમાં જ પોતાના પદના શપથ ગ્રહણ કરશે.

