- ઓલ ઇન્ડિયા પ્રેસિડીંગ ઓફિસર્સ કોન્ફરન્સ યોજાશે
- વડાપ્રધાન નરેન્દ્ર મોદી વર્ચ્યુઅલી સંબોધિત કરશે
- 100 વર્ષ પછી શિમલાની વાદીઓમાં યોજાશે આ કોન્ફરન્સ
દિલ્હી:વડાપ્રધાન નરેન્દ્ર મોદી 17 નવેમ્બરે ઓલ ઇન્ડિયા પ્રેસિડીંગ ઓફિસર્સ કોન્ફરન્સને વર્ચ્યુઅલ રીતે સંબોધિત કરશે. હિમાચલ પ્રદેશ વિધાનસભાના અધ્યક્ષ વિપિન પરમારે આ અંગે માહિતી આપી છે. આ કોન્ફરન્સ 16 થી 19 નવેમ્બર દરમિયાન યોજાશે. આવી કોન્ફરન્સ 100 વર્ષ પહેલા 1921માં શિમલામાં થઈ હતી.
વિપિન પરમારે જણાવ્યું કે,1921માં આ કોન્ફરન્સ 14 થી 16 સપ્ટેમ્બર વચ્ચે યોજાઈ હતી. અત્યાર સુધીમાં શિમલામાં આવી છ કોન્ફરન્સ યોજાઈ ચૂકી છે. આમાંથી ચાર આઝાદી પહેલા 1921, 1926, 1933 અને 1939માં થઇ હતી. આ પછી 1976 અને 1997માં આ કોન્ફરન્સ યોજાઈ. તેમણે જણાવ્યું કે,16 નવેમ્બરે રાજ્ય વિધાનસભા અને પરિષદના સચિવોની 58મી કોન્ફરન્સનું આયોજન કરવામાં આવશે. ઓલ ઇન્ડિયા પ્રેસિડીંગ ઓફિસર્સ કોન્ફરન્સનું ઔપચારિક ઉદ્દઘાટન 17 નવેમ્બરના રોજ સવારે 10 વાગ્યે કરવામાં આવશે. આ પછી વડાપ્રધાન બપોરે 1.28 વાગ્યે વર્ચ્યુઅલ રીતે સંબોધન કરશે.
આ સંમેલનમાં લોકસભા અધ્યક્ષ ઓમ બિરલા, રાજ્યસભાના ઉપાધ્યક્ષ હરિવંશ નારાયણ સિંહ, કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુર, હિમાચલ પ્રદેશના રાજ્યપાલ રાજેન્દ્ર વિશ્વનાથ અરલેકર અને રાજ્યના મુખ્યમંત્રી જયરામ ઠાકુર પણ ભાગ લેશે. હિમાચલ પ્રદેશ વિધાનસભાના સ્પીકરે જણાવ્યું હતું કે,36 રાજ્યોની વિધાનસભાઓ અને પરિષદોના સ્પીકર, ડેપ્યુટી સ્પીકર, મુખ્ય સચિવો, સચિવો અને અન્ય વરિષ્ઠ અધિકારીઓ પણ તેમની પત્નીઓ સાથે ભાગ લેશે.