Site icon Revoi.in

વડાપ્રધાન નરેન્દ્ર મોદી રવિવારે રાજકોટમાં જુના એરપોર્ટથી રેસકોર્સ ગ્રાઉન્ડ સુધી રોડ શો કરશે

Social Share

રાજકોટઃ વડાપ્રધાન આગામી 24 અને 25 ફેબ્રુઆરીએ ગુજરાત-સૌરાષ્ટ્રની મુલાકાતે આવી રહ્યા છે. ત્યારે વડાપ્રધાનના હસ્તે વિવિધ વિકાસકામોનું લોકાર્પણ તથા ખાતમુહૂર્ત કરાશે. 25મી ફેબ્રુઆરીને રવિવારે વડાપ્રધાન મોદી રાજકોટના જુના ઍરપોર્ટથી રેસકોર્સ ગ્રાઉન્ડ સુધી રોડ શો કરશે. રોડ શો રૂટ પર પીએમ મોદીના સ્વાગત માટે વિવિધ સ્ટેજ તૈયાર કરવામાં આવશે. વડાપ્રધાનના આગમનને લીધે તંત્ર દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.

રાજકોટમાં જુના એરપોર્ટથી રેસકોર્સ ગ્રાઉન્ડ સુધી વડાપ્રધાન મોદીનો ભવ્ય રોડ શો યોજાશે. રોડ શો દરમિયાન વિવિધ સંસ્થાઓ અને સમાજના લોકો દ્વારા વડાપ્રધાનનું અભિવાદન કરાશે, ત્યારબાદ શહેરના રેસકોર્સ ગ્રાઉન્ડ ખાતે વડાપ્રધાન જંગી જનસભાને સંબોધન કરશે. રોડ શો પૂર્ણ થયા બાદ તેઓ રેસકોર્સ ગ્રાઉન્ડ ખાતે સભા સ્થળે પહોંચશે. સભા સ્થળે પણ સભા સંબોધ્યા બાદ પીએમ મોદી લોકોની વચ્ચે જઈને લોકોનું અભિવાદન જીલશે.

વડાપ્રધાન મોદી 25 મી ફેબ્રુઆરીને રવિવારે રાજકોટ આવી પહોંચશે. અને નાગરિકોને હજારો કરોડના વિકાસકામોની ભેટ આપશે. પીએમ મોદી ઊર્જા વિભાગના 513 કરોડથી વધુના વિકાસકામોનું લોકાર્પણ કરશે. રાજકોટ વહીવટી તંત્ર દ્વારા પીએમ મોદીના રોડ શો અને જનસભાને લઈને તડામાર તૈયારીઓ શરૂ કરી દેવાઈ છે. વડાપ્રધાન મોદી રાજકોટ એઈમ્સ હોસ્પિટલની પણ મુલાકાત લેશે. રેસકોર્સ ગ્રાઉન્ડ ખાતે જનસભા સંબોધ્યા બાદ તેઓ સીધા દિલ્હી જવા રવાના થશે.

સૂત્રોના જણાવ્યા મુજબ લોકસભા ચૂંટણી પહેલા વડાપ્રધાન મોદી વિવિધ કાર્યક્રમ અર્થે ત્રણ દિવસ ગુજરાતમાં ધામા નાખશે, જેમા સૌપ્રથમ તેઓ 22 ફેબ્રુઆરીએ ગુજરાત આવશે. આ દિવસે વિશ્વના સૌથી મોટા સ્ટેડિયમ એવા નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આયોજિત સહકાર સંમેલનમાં હાજરી આપશે. અહીં સભા સંબોધી મહેસાણામાં વાળીનાથ મંદિરના દર્શને જશે અને તરભ ખાતે વિવિધ વિકાસકામોના ખાતમૂહુર્ત અને લોકાર્પણ કરશે. ત્યારબાદ પીએમ મોદી દક્ષિણ ગુજરાત પહોંચશે અને નવસારીમાં વિવિધ યોજનાઓના વિકાસકામોને હરીઝંડી આપશે. ત્યાથી તેઓ વારાણસી જવા રવાના થશે. 24 ફેબ્રુઆરીએ પીએમ મોદી ફરી ગુજરાત આવશે અને જામનગરમાં રાત્રિ રોકાણ કરશે. 25મીએ પીએ મોદી દ્વારકામાં નવનિર્મિત સિગ્નેચર બ્રિજ અને વ્યુઈંગ ગેલેરીનું લોકાર્પણ કરશે. ત્યાંથી તેઓ સીધા દ્વારકાધીશના દર્શને જશે. મંદિરમાં ત્રણેક કલાક રોકાયા બાદ પીએમ મોદી વિવિધ લોકાર્પણ અને શિલાન્યાસ કરશે. ત્યારબાદ સભાને સંબોધન કરશે. (file photo)

 

Exit mobile version