Site icon Revoi.in

વડાપ્રધાન નરેન્દ્ર મોદી હવે 19મી ઓક્ટોમ્બરે રાજકોટ આવશે, ભવ્ય રોડ શો યોજાશે

Social Share

રાજકોટઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણીને દોઢથી બે મહિના જેટલો સમય બાકી રહ્યો છે. ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સમયાંતરે ગુજરાતની મુલાકાત લઈને ચૂંટણી પ્રચારનો પ્રારંભ શરૂ કરી દીધો છે. તા.29મી સપ્ટેમ્બરથી  વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતની બે દિવસની મુલાકાતે આવ્યા છે. હવે વડાપ્રધાન આગામી 11મી ઓક્ટોબરે જામકંડોરણા અને ત્યારબાદ તા.19મી ઓક્ટોબરે રાજકોટની મુલાકાત આવશે. આ અંગે રાજકોટ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ આરંભી દેવામાં આવી છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાજકોટની મુલાકાતે આગામી તા. 19મી ઓકટોબરે આવશે. રાજકોટમાં  રેસકોર્ષ ગ્રાઉન્ડમાં જંગી જાહેરસભા તેમજ ભવ્ય રોડ-શો યોજાશે. આ પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે 5000 કરોડથી વધુના વિકાસ કામોનાં લોકાર્પણ-ખાતમુર્હુત કરાશે.. રાજકોટ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કરોડોના વિકાસ કામોની યાદી પીએમઓ કાર્યાલયને મોકલી દેવામાં આવી છે. રાજકોટ શહેરના નાનામવા ચોક, હોસ્પિટલ ચોક અને રામાપીર ચોકડી ખાતે હાલ ચાલી રહેલા ઓવરબ્રીજ પ્રોજેક્ટના કામો પૂર્ણતાના આરે છે. આ ત્રણેય બ્રીજનું લોકાર્પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે કરવામાં આવશે.. તેની સાથોસાથ ઇશ્વરિયા ખાતે કરોડોના ખર્ચે સાયન્સ મ્યુઝિયમનું કામ પરિપૂર્ણ થઇ ગયેલ હોય આ મ્યુઝીયમનું ઉદ્દઘાટન પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે કરવાનો તખ્તો તૈયાર કરી દેવામાં આવ્યો છે.

આ ઉપરાંત મકનસર (મોરબી) ખાતે નિર્માણ થનારા કન્ટેનર ડેપો, છાપરા તેમજ ખીરસરા ખાતે નવી જીઆઈડીસી, તેમજ રાજકોટ-ગોંડલ સિક્સલેન હાઇવે અને રાજકોટ-કાનાલુસ ડબલીંગ પ્રોજેક્ટનું ખાતમુર્હુત વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે કરાશે.

અત્રે ઉલ્લેખનીય છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગત તા. 28 મેના રાજકોટ નજીકનાં આટકોટની મુલાકાત લઇ મલ્ટી સ્પેશ્યાલીટી હોસ્પિટલનું ઉદ્દઘાટન કર્યું હતું. ત્યાર બાદ હવે આગામી ઓક્ટોબર માસમાં રાજકોટ જિલ્લાની બે-બે વાર મુલાકાત લઇ જંગી જાહેરસભા ગજવશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની તા. 19 ઓક્ટોબરની રાજકોટની મુલાકાત દરમિયાન તેમનો ભવ્ય રોડ-શો યોજાવાની શક્યતા રહેલી છે.

સૂત્રોના જણાવ્યા મુજબ ગુજરાત વિધાનસભાની ચૂંટણીનું જાહેરનામુ પ્રસિધ્ધ થાય અને આચારસંહિતા લાગુ પડે તે પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતનો પ્રવાસ શરુ કરી દીધો છે. જેમાં વડાપ્રધાને ગરૂવારે સુરત, ભાવનગર, અમદાવાદની મુલાકાત લીધી હતી. જ્યારે આજે વડાપ્રધાન યાત્રાધામ અંબાજીની પણ મુલાકાત લઇ અંબે માની મહાઆરતી અને દર્શનનો લાભ લેશે. ત્યારબાદ બીજા તબક્કામાં તા. 11ના જામકંડોરણા ખાતે જંગી જાહેરસભાને સંબોધન કરશે. ત્યારબાદ તા. 19 ઓક્ટો.ના સૌરાષ્ટ્રના પાટનગર રાજકોટની મુલાકાત લઇ 5000 કરોડથી વધુના વિકાસ કામોનું ખાતમુર્હુત-લોકાર્પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદી કરશે. વડાપ્રધાનના આ કાર્યક્રમની તૈયારીઓનો ધમધમાટ વહીવટી તંત્ર દ્વારા શરુ કરી દેવામાં આવી છે.