Site icon Revoi.in

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભાવનગરમાં ફરીવાર આવશે, બુધવારે જાહેર સભાને સંબોધશે

Social Share

અમદાવાદઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં મતદાનને હવે ગણતરીના દિવસ બાકી રહ્યા છે. ત્યારે ભાજપે એડીચોટીનું જોર લગાવ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત કેન્દ્રિય મંત્રીઓ તેમજ ભાજપ શાસિત રાજ્યોના મુખ્યમંત્રીઓને ચૂંટણી પ્રચાર માટે મેદાનમાં ઉતારવામાં આવ્યા છે. જે બેઠકો ભાજપ માટે નબળી ગણાય છે તે બેઠકો પર વધુ જોર આપવામાં આવી રહ્યું છે. વડાપ્રધાન મોદી બીજીવાર ભાવનગરની મુલાકાતે આવી રહ્યા છે. તા.23મીને બુધવારે વડાપ્રધાન મોદી ભાવનગરમાં રોડ શો અને જાહેર સભાને સંબોધન કરશે.

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાવનગર જિલ્લો પણ અને તેમાં પણ ખાસ કરીને ભાવનગરની પૂર્વ અને પશ્ચિમ વિધાનસભા બેઠક રાજકીય પક્ષો માટે મહત્વની હોય તે રીતે સભા સરઘસોના આયોજનો થઈ રહ્યા છે. ભાવનગર ખાતે આગામી 23મીના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જાહેર સભા યોજાશે જ્યારે 26મી ના રોજ ભાવનગર શહેરમાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની રેલી યોજાશે. જેને કારણે સુષુપ્ત અવસ્થામાં રહેલી ચૂંટણીના અંતિમ દિવસોમાં ગરમાવો ફેલાયો છે.

સૂત્રોના જણાવ્યા મુજબ ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પ્રચાર માટે રાજકીય પક્ષોનો પ્રચાર માટેનો ધમધમાટ છતાં હજુ લોકોમાં નિરસતા જોવા મળી રહી છે.  રાજકીય પક્ષોના રાષ્ટ્રીય અને રાજ્ય કક્ષાના નેતાઓના પણ ભાવનગરમાં ચૂંટણી પ્રચાર માટે આવી રહ્યા છે. ભાવનગર શહેરના પશ્ચિમ વિધાનસભા બેઠક પણ હોટ ફેવરિટ હોય તેમ આ બેઠક પરથી કેબિનેટ શિક્ષણ મંત્રી સામે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના ઉમેદવારો પણ મહદ અંશે સક્ષમ છે. એટલે ભાજપએ આ બેઠક પર વધુ ધ્યાન કેન્દ્રિત કર્યું છે. બે દિવસ પૂર્વે ભાવનગર પશ્ચિમના ભાજપના ઉમેદવારના સમર્થનમાં મધ્યપ્રદેશના મુખ્યમંત્રી આવ્યા હતાં.હવે આગામી 23 મી નવેમ્બરને બુધવારના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ ચૂંટણી પ્રચાર અર્થે ભાવનગર આવી રહ્યા છે. વડાપ્રધાન મોદીની જાહેરસભાનું  શહેરના ચિત્રા ખાતે સ્વામિનારાયણ મંદિર પાછળના મેદાનમાં આયોજન કર્યું છે. જેના પરથી જ ભાવનગર પશ્ચિમ બેઠકની મહત્વતા પ્રતિપાદિત થાય છે.

આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ પણ 26 મી નવેમ્બરે ભાવનગર આવી રહ્યા છે. શહેરના ટાઉનહોલથી ખારગેટ સુધી અરવિંદ કેજરીવાલની રેલી યોજાશે. ભાવનગર પૂર્વ અને પશ્ચિમ બંને વિધાનસભા વિસ્તારની હદને સ્પર્શતા વિસ્તારમાં કેજરીવાલની રેલીનું આયોજન કરવામાં આવ્યું છે.જોકે કોંગ્રેસના કોઈ નેતા ચૂંટણી પ્રચાર માટે ભાવનગરમાં દેખાતા નથી. જેથી કોંગ્રેસના ઉમેદવારો જ સભા સરઘસ તેમજ ઘરે ઘરે પ્રચારમાં લાગી ગયા છે. (File photo)