Site icon Revoi.in

સફેદ ડુંગળીની સિઝન શરૂ થઇ છતાં ડિહાઇડ્રેશન કારખાનામાં કોલસાના વધુ ભાવને લીધે ઉત્પાદન ઠપ

Social Share

રાજકોટઃ સૌરાષ્ટ્રના માર્કેટ યાર્ડ્સમાં રવિ સીઝનની ધૂમ આવક થઈ રહી છે. જેમાં સફેદ ડુંગળીની આવક પણ સારા પ્રમાણમાં થઈ રહી છે. પરંતુ ખેડુતોને પુરતા ભાવ મળતા ન હોવાની ફરિયાદો ઊઠી છે. સફેદ ડુંગળીનો ડિહાઈડ્રેશનના ઉદ્યોગમાં સારીએવી માગ રહેતી હોય છે. પરંતુ ડિહાઇડ્રેશન ઉદ્યોગમાં ઉત્પાદન ચાલુ થઇ શક્યું નથી. કોલસાના ખૂબ ઉંચા ભાવ અને મજૂરોની તંગીને લીધે ઉદ્યોગકારો હજુ ઉત્પાદન કરવા રાજી નથી. માર્ચ મહિનામાં ડિહાઇડ્રેશનના કારખાના શરૂ થશે અને આશરે સાડા ત્રણ મહિના કારખાના ધમધમશે તેવો અંદાજ છે.
સૂત્રોના જણાવ્યા મુજબ ભાવનગર જિલ્લાના મહુવા પંથકમાં 110 જેટલા કારખાના આવેલા છે. મોટાભાગના કારખાનામાં હજુ ઉત્પાદન શરૂ કરવામાં આવ્યુ નથી. આઠ દસ કારખાના લસણના સસ્તાં ભાવને લીધે લસણનું ડિહાઇડ્રેશન કરી રહ્યા છે. લસણનો ભાવ ડિહાઇડ્રેશન ક્વોલિટીમાં રૂ.10 આસપાસ છે એટલે તેમાં પાળી ચલાવાય છે. જોકે સફેદ ડુંગળી રૂ.11-12માં કિલો મળે છે પણ કોલસા અને મજૂરોનું ખર્ચ ઉંચું હોવાથી પોસાણ નથી. તેમ કારખાનેદારો કહી રહ્યા છે. સફેદ ડુંગળીની આવક સૌરાષ્ટ્રમાં 30 હજાર ગુણી કરતા વધારે થાય છે. સફેદનો ભાવ મણે રૂ. 100થી 350 સુધી ચાલે છે. ડિહાઇડ્રેશન ક્વોલિટીની ડુંગળી રૂ.11-12માં મળે છે પણ કારખાનેદારોને પરવડે તેવી સ્થિતિ નથી.
ડિહાઈડ્રેશનના ઉત્પાદકો કહી રહ્યા છે. કે,  કોલસાનો ભાવ વિશ્વ બજારમાં જે રીતે વધ્યો છે તેનાથી એક કિલોએ રૂ. 22 જેટલું ખર્ચ ડિહાઇડ્રેશન પ્રોડક્ટમાં કોલસાનું ગણાય છે. અગાઉ રૂ. 12-14 જેટલું ખર્ચ ગણાતું હતુ આમ સીધો ફટકો પડ્યો છે. બીજી તરફ ડાયમંડ ઉદ્યોગના નાના નાના યુનિટો સૌરાષ્ટ્રભરમાં શરૂ થઇ ગયા છે અને ત્યાં કામકાજ સાથે મજૂરી ય સારી મળતા ડિહાઇડ્રેશનના કારખાનામાં મજૂરો આવવા તૈયાર થતા નથી. કારખાનેદારો કહે છે. કે, આવક વધે અને ભાવ નીચાં આવે તો પડતર લાગી શકે તેમ છે. આ વર્ષે વાતાવરણના સતત બદલાવને લીધે ડુંગળીના પાકમાં નુક્સાન તો થયું છે. આવકો પણ થોડી મોડી થશે એટલે માર્ચમાં જ યુનિટો વ્યવસ્થિત શરૂ થાય તેમ જણાય છે.
સૂત્રોએ વધુમાં જણાવ્યું હતું કે, ડિહાઇડ્રેશન ઉત્પાદકોને મોટી સમસ્યા જૂના માલ અંગેની છે. આશરે 8થી 10 હજાર ટન જેટલો કિબલનો સ્ટોક પડ્યો છે. તેની ગુણવત્તા સારી રહી નથી એટલે નિકાસમાં ચાલે તેમ નથી. ગયા વર્ષે કમોસમી વરસાદ-વાવાઝોડાંમાં મહુવાના ડિહાઇડ્રેશન યુનિટોને ખૂબ નુક્સાન થયું હતુ. એ માલ અત્યારે નડી રહ્યો છે. તેના ભાવ પણ ઓછાં મળશે અને વેચવામાં પણ સમસ્યા થાય તેમ છે. નિકાસ મોરચે પણ આ વર્ષે ઉત્પાદકોને ફાયદો થયો નથી. કોરોનાને લીધે માગ થોડી ઓછી રહી છે. બીજી તરફ ચીનથી આવતા કન્ટેઇનરોની અછત સર્જાતા યુરોપમાંથી મંગાવવા પડે છે જેનું ખર્ચ વધી ગયું છે. અત્યાર સુધી રૂ. 10 પ્રતિ કિલો ફ્રેઇટ લાગતું હતુ તેના સ્થાને રૂ. 40 થઇ ગયા છે. આમ નિકાસ બજારમાં ભારતનો ભાવ ઉંચો પડે છે. ભારતના કિબલ્ડનો ભાવ 2500 ડોલર ચાલે છે. તેના સ્થાને ચીન અને ઇજીપ્તનો ભાવ 2100-2200 ડોલર જેટલો છે એટલે યુરોપમાં ત્યાંના માલ જાય છે.