Site icon Revoi.in

દેશમાં એક વર્ષમાં 2.7 કરોડ વાહનોનું ઉત્પાદન, ટુ-વ્હીલર ઉત્પાદનમાં ભારત ટોપ ઉપર

Social Share

નવી દિલ્હીઃ ભારતમાં ઓટોમોબાઈલ ઉદ્યોગ સતત વધી રહ્યો છે. દરમિયાન ભારતમાં નાણાકીય વર્ષ 2023 દરમિયાન કુલ 2.7 કરોડ વાહનોનું ઉત્પાદન કરવામાં આવ્યું હતું. આ વાહનોની કિંમત લગભગ 108 બિલિયન યુએસ ડોલર હતી, જે ભારતીય ચલણમાં લગભગ 8.7 લાખ કરોડ રૂપિયા છે.

નાણાકીય વર્ષ 2023 દરમિયાન જે સેગમેન્ટમાં મહત્તમ ઉત્પાદન જોવા મળ્યું હતું તેમાં ટુ વ્હીલર્સ પ્રથમ સ્થાને રહ્યા હતા. આ પછી પેસેન્જર વાહનો, કોમર્શિયલ વાહનો અને પછી થ્રી વ્હીલર્સનો સમાવેશ થાય છે. એક અહેવાલ મુજબ, ભારતમાં કુલ ઉત્પાદનમાંથી 77 ટકા ટુ વ્હીલરનું હતું. આ પછી, 16 ટકા પેસેન્જર વાહનોનું ઉત્પાદન થયું હતું. વાણિજ્યિક વાહનો ચાર ટકા સાથે ત્રીજા ક્રમે અને ત્રણ પૈડાંવાળા વાહન ત્રણ ટકા સાથે ચોથા ક્રમે હતા.

રિપોર્ટ અનુસાર, નાણાકીય વર્ષ 2023 દરમિયાન ટુ વ્હીલરના ઉત્પાદનમાં ભારત નંબર-1 દેશ હતો. ચીનમાં પણ ભારતની નજીક વાહનોનું ઉત્પાદન થતું હતું. આ દરમિયાન, કુલ 20 મિલિયનથી વધુ વાહનોનું ઉત્પાદન કરવામાં આવ્યું હતું, જેની કિંમત લગભગ 1.8 લાખ કરોડ રૂપિયા છે. પેસેન્જર વાહનોમાં ચીન, અમેરિકા અને જાપાન પછી ભારત ચોથા ક્રમે છે. નાણાકીય વર્ષ 2023 દરમિયાન ભારતમાં પાંચ લાખ કરોડ રૂપિયાના પેસેન્જર વાહનોનું ઉત્પાદન કરવામાં આવ્યું હતું.

અત્રે ઉલ્લેખનીય છે કે, ભારતમાં છેલ્લા કેટલાક વર્ષોમાં વાહનોની સંખ્યામાં વધારો થયો છે. બીજી તરફ સરકાર દ્વારા પેટ્રોલ-ડિઝલના ભાવમાં થયેલા વધારો તથા પર્યાવરણને ધ્યાનમાં રાખીને ઈ-વાહનને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે. સરકાર દ્વારા ઈ-વાહનની ખરીદી ઉપર સબસિડીની રાહત આપવામાં આવી રહી છે.