Site icon Revoi.in

ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં નાપાસ થયેલા વિદ્યાર્થીઓ માટે ત્રણ વિષયની પુરક પરીક્ષા લેવા રજુઆત

Social Share

ગાંધીનગરઃ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આગામી માર્ચ 2023માં લેવાયેલી ધોરણ 12 સાયન્સની પરીક્ષાનું પરિણામ જાહેર થયા બાદ પરીક્ષામાં નાપાસ થયેલા વિદ્યાર્થી બેને બદલે ત્રણ વિષયની પુરક પરીક્ષા લેવા માગણી કરી રહ્યા છે. ચાલુ વર્ષે શિક્ષણ બોર્ડનું ધોરણ-12 સાયન્સનું પરિણામ નીચું આવ્યું છે. તેમાંય ત્રણ વિષયમાં નાપાસ થનારા વિદ્યાર્થીઓનો આંકડો 17902 જેટલો થયો છે. ત્યારે આટલી મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓનું એક વર્ષ બગડે નહી તે માટે જુલાઇમાં લેવાનારી પૂરક પરીક્ષા ત્રણ વિષયની લેવામાં આવે તેવી માંગણી સાથે રાજ્યના મુખ્યમંત્રીને રજુઆત કરવામાં આવી છે.

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા માર્ચ-2023માં લેવાયેલી ધોરણ-12 સાયન્સ પરીક્ષાનું પરિણામ પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. જોકે છેલ્લા પાંચ વર્ષની સરખામણીએ ચાલુ વર્ષે ધોરણ-12 સાયન્સનું પરિણામ ઓછુ આવ્યું છે. ઘણાબધા વિદ્યાર્થીઓ ત્રણ વિષયમાં નાપાસ થયા છે.  ધોરણ-12 સાયન્સનું પરિણામ નીચું રહેવાની પાછળ કોરોનાકાળના કારણે સતત બે વર્ષથી સ્કુલ કે બોર્ડ પરીક્ષા આપવાનો વિદ્યાર્થીઓને અનુભવ નહોતો. ઉપરાંત કોરોનાકાળમાં ધોરણ-10 અને 11 ઓનલાઇન શિક્ષણ લેવાથી સાયન્સના વિદ્યાર્થીઓમાં બેઝિક નોલેજમાં ઉણપ રહેવાનું કારણ પણ જવાબદાર ગણી શકાય તેમ છે.જો કે જ્યારે ધોરણ-12 સાયન્સનું પરિણામ નીચું રહેવા પામ્યું છે. ત્યારે ત્રણેક વિષયમાં નાપાસ થનારા વિદ્યાર્થીઓનું કિંમતી એક વર્ષ બગડે નહી તે માટે વિદ્યાર્થીઓના હિતમાં પૂરક પરીક્ષા ત્રણ વિષયની લેવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે.

ધોરણ-12 સાયન્સના પ્રસિદ્ધ થયેલા પરિણામમાં એક વિષયમાં નાપાસ થનાર વિદ્યાર્થીઓની સંખ્યા 490, બે વિષયમાં નાપાસ થનાર વિદ્યાર્થીઓની સંખ્યા 9401 અને ત્રણ વિષયમાં નાપાસ થનાર વિદ્યાર્થીઓની સંખ્યા 17902 જેટલી છે. આથી 17902 વિદ્યાર્થીઓના શૈક્ષણિક હિતને ધ્યાનમાં રાખીને ચાલુ વર્ષ પૂરથી જુલાઇમાં લેવાનાર પૂરક પરીક્ષા બે વિષયને બદલે ત્રણ વિષયમાં લેવામાં આવે તેવી માંગણી સાથે શિક્ષણ બોર્ડના સભ્યોએ રાજ્યના મુખ્યમંત્રી, શિક્ષણમંત્રીને લેખિત રજુઆત કરી છે.