Site icon Revoi.in

ગ્રાન્ટેડ શાળાઓમાં અડધા સત્ર બાદ પ્રવાસી શિક્ષકોને છૂટા કરી જ્ઞાન સહાયકોની નિમણૂંક સામે વિરોધ

Social Share

રાજકોટઃ રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા રાજકોટ સહિત રાજ્યભરમાં આવેલી ગ્રાન્ટેડ શાળાઓમાં અડધા સત્રથી પ્રવાસી શિક્ષકોને છૂટા કરીને જ્ઞાન સહાયકોની નિમણૂક કરતા તેની શિક્ષમ પર અસર પડી રહી છે. અને બોર્ડના વિદ્યાર્થીઓને મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે.  આ અંગે ગ્રાન્ટેડ સ્કૂલોની સંકલન સમિતિ દ્વારા જિલ્લા શિક્ષણ અધિકારી અને કલેક્ટરને રજૂઆત કરી હતી. અને એવી માગણી કરી હતી. કે જ્ઞાન સહાયકોની નિમણૂકો સત્રના પ્રારંભે જ કરી દેવી જોઈએ. અડધા સત્ર બાદ જ્ઞાનસહાયકોની નિમણૂંકો કરી છે. અને પ્રવાસી શિક્ષકોને છૂટા કરી દેવામાં આવ્યા છે. એટલે જે વર્ગખંડોમાં પ્રવાસી શિક્ષકો ભણાવતા હતા. તેમને અડધા સત્રએ હટાવી દેવામાં આવ્યા છે.

રાજકોટની ગ્રાન્ટેડ સ્કૂલોના આચાર્ય સંઘના પ્રમુખ કિશોર દવેએ જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર દ્વારા હાલમાં જ્ઞાન સહાયકની નિમણૂક કરવામાં આવી રહી છે. જેમાં ધો.9 અને 10માં સત્રની શરૂઆતથી જ્ઞાન સહાયકની નિમણૂક થઈ છે. પરંતુ ધોરણ 11 અને 12માં હાલમાં કામ કરતા પ્રવાસી શિક્ષકોને દૂર કરી નિમણૂક કરવા માટેની પ્રક્રિયા ચાલી રહી છે. ત્યારે સરકારને વિનંતી છે કે જ્ઞાન સહાયકની નિમણૂકની પ્રક્રિયા નવા સત્રથી એટલે કે જૂન માસથી શરૂ કરવામાં આવે તે ખૂબ જ જરૂરી છે. આ બાબતે જિલ્લા શિક્ષણ અધિકારી અને કલેકટરને રજૂઆત કરવામાં આવી છે.

ગ્રાન્ટેડ સ્કૂલના સંચાલકોના કહેવા મુજબ  રાજ્ય સરકાર દ્વારા ડિસેમ્બર માસમાં જ્ઞાન સહાયકની ભરતી કરવામાં આવી છે. જેથી અત્યાર સુધી વિદ્યાર્થીઓ જે પ્રવાસી શિક્ષકો પાસે ભણ્યા છે, તેમની સાથેની લય તૂટી જશે અને હવે બોર્ડની પરીક્ષાને ખૂબ જ ઓછા દિવસો બાકી છે, ત્યારે ધો.12ના વિદ્યાર્થીઓને નવા શિક્ષકો સાથે તાલમેલ બનાવો મુશ્કેલ બનશે. રાજકોટની 70 જેટલી ગ્રાન્ટેડ સ્કૂલોમાં આ સમસ્યા છે.

આ મામલે ધો.12 કોમર્સમાં અભ્યાસ કરતા એક વિદ્યાર્થીએ  જણાવ્યું હતું કે, અડધા સત્રથી જ્ઞાન સહાયકની નિમણૂકથી સમસ્યા ઉભી થઈ છે. કારણ કે, વર્ષની શરૂઆતથી પ્રવાસી શિક્ષકો સાથે અમારો તાલમેલ છે. જે તાલમેલ હવે અત્યારે નવા શિક્ષકો સાથે ન થઈ શકે. અમારા બોર્ડના પરિણામ પર પણ અસર પડશે. જેથી જૂન માસથી એટલે કે નવા સત્રથી જ્ઞાન સહાયકની નિમણૂક કરવામાં આવે તેવી અમારી માગ છે.