Site icon Revoi.in

કચ્છના શ્વેતરણની તંબુનગરીનું ગટરનું પાણી ખૂલ્લા રણમાં છોડાતા વિરોધ

Social Share

ભૂજઃ કચ્છનો પ્રવાસન ક્ષેત્રે સારોએવો વિકાસ થયો છે. જેમાં શ્વેતનગરી ગણાતા ધોરડામાં પ્રવાસી માટે તંબુ નગરી ઊભી કરવામાં આવી છે. રણોત્સવની આકર્ષણરૂપ ગણાતી તંબુનગરીમાં ગટરના દૂષિત પાણી બહાર ખુલ્લા રણમાં ટેન્કરો દ્વારા છોડાતાં માનવ અને પશુ તંદુરસ્તી માટે મોટો ખતરો ઊભો થયો હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે.

કચ્છમાં રણોત્સવ માણવા દેશ-વિદેશોમાંથી આવતા સહેલાણીઓ શ્વેતરણ વચ્ચે જ રાતવાસો કરી શકે તે માટે એક ખાનગી કંપની દ્વારા દર વર્ષે ધોરડો નજીક તંબુનગરી ઊભી કરવામાં આવે છે. અંદાજે 350થી પણ વધુ હાઇ-ફાઇ સુવિધાવાળા તંબુઓમાં રહેવાનો પણ એક લ્હાવો ગણાય છે. વિશાળ રણપટમાં પથરાયેલી આ તંબુનગરીની ગટરનાં પાણીનો નિકાલ પશ્ચિમે ખુલ્લાં રણમાં ટેન્કરો દ્વારા છોડીને કરવામાં આવે છે.તેમો માલધારીઓ દ્વારા કરવામાં આવી રહ્યો છે.

ધોરડોના અગ્રણી માલધારી યારમામદ મુતવાએ જણાવ્યું હતું કે, ગંદું અને ગટરનું દૂષિત પાણી રણમાં છોડાયા પછી એ વિસ્તારમાં ચરિયાણ માટે વિચરતી કિંમતી ભેંસો આ પાણી પીવા મજબૂર બને છે. જેને લઇ આ પશુઓની તંદુરસ્તી પર મોટી અસર થઇ રહી છે. રણમાં ગટરનું ગંદુ પાણી ભરાયેલું રહે છે. તેથી પ્રદુષણ પણ વધવાની શક્યતા છે.  ખાનગી કંપનીના આયોજકો દ્વારા સ્થાનિકના લોકોને રોજગારી આપવાની મોટી-મોટી વાતો કરે છે,પરંતુ વાસ્તવમાં પરિસ્થિતિ કંઇક જુદી છે. હાલ તંબુનગરીમાં ઊભા કરવામાં આવેલા સ્ટોલમાં એકાદ-બે સ્ટોલ જ ગામને ફાળાવાયા છે. વધુ સ્ટોલ ફાળવવાની માગણી કરતાં સંચાલકો ગણકારતા નથી. એટલું જ નહીં તંબુનગરીમાં રોકાયેલા મજૂરો પણ મોટા ભાગના બહારના હોવાનો ઘોરડાના ગ્રામજનો આક્ષેપ કરી રહ્યા છે.