Site icon Revoi.in

પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે કરી મુલાકાત

Social Share

નવી દિલ્હીઃ પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને આજે નવી દિલ્હીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી હતી. આ બેઠક બાદ માનએ કહ્યું કે પીએમ નરેન્દ્ર મોદીએ મને જીત પર અભિનંદન પાઠવ્યા છે. વડાપ્રધાને મને રાષ્ટ્રીય સુરક્ષા પર મદદનું આશ્વાસન આપ્યું છે. મુખ્યમંત્રીએ કહ્યું કે, મેં બે વર્ષ માટે દર એક વર્ષે 50000 કરોડની આર્થિક સહાયની માંગ કરી છે. માને કહ્યું કે તેઓ પંજાબને ફરીથી દેશનું નંબર વન રાજ્ય બનાવશે.

પીએમ સાથેનો ફોટો સોશિયલ મીડિયામાં શેયર કરીને પંજાબના મુખ્યમંત્રી માને લખ્યું, “આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળ્યા અને પંજાબના મુદ્દાઓ પર ચર્ચા કરી. હું પૂરી આશા રાખું છું કે પંજાબના સળગતા મુદ્દા અંગે કેન્દ્ર સરકાર તરફથી જરૂરી સહકાર આપવામાં આવશે. મુખ્યમંત્રી બન્યા બાદ પીએમ મોદી સાથે ભગવંત માનની આ પ્રથમ મુલાકાત હતી. આમ આદમી પાર્ટી (AAP)ના નેતા ભગવંત માને 16 માર્ચે સ્વાતંત્ર્ય સેનાની ભગત સિંહના ગામ ખટકર કલાન ખાતે હજારો લોકોની હાજરીમાં પંજાબના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા હતા. આ પછી વડાપ્રધાને પણ માનને મુખ્યમંત્રી બનવા પર અભિનંદન પાઠવ્યા હતા. પંજાબ વિધાનસભા ચૂંટણીમાં AAPએ 117માંથી 92 બેઠકો જીતી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં જ પાંચ રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી યોજાઈ હતી. જેમાં ઉત્તરપ્રદેશ, ઉત્તરાખંડ, ગોવા અને મણિપુરમાં ભાજપનો ભગલો લહેરાયો હતો. જ્યારે પંજાબમાં આમ આદમી પાર્ટીનો ભવ્ય વિજય થયો હતો. આ ચૂંટણીમાં સૌથી વધારે કોંગ્રેસનું ધોવાણ થયું છે. આ ઉપરાંત પ્રાદેશિક પક્ષોને પણ હારનો સામનો કરવો પડ્યો છે.