નવી દિલ્હીઃ રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને ભારતીય પ્રતિનિધિમંડળના ઉષ્માભર્યા સ્વાગત માટે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ, વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને તમામ ભારતીય સાથીદારોનો આભાર વ્યક્ત કર્યો છે. તેમણે ગઈકાલે રાત્રે પીએમ મોદીના નિવાસસ્થાને યોજાયેલા ડિનર માટે પણ આભાર માન્યો હતો. રાષ્ટ્રપતિ પુતિને આ બેઠક બાદ અમેરિકાને સીધો સંદેશ આપ્યો છે કે રશિયા ન તો ઝૂકશે અને ન તો અટકશે. તેમણે જાહેરાત કરી કે રશિયા ભારતને ફ્યુઅલ સપ્લાય (બળતણ પુરવઠો) ચાલુ રાખશે. પુતિને કહ્યું, “અમે સુરક્ષા અને અર્થવ્યવસ્થાને લઈને ઘણા કરાર કર્યા છે.” તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો કે 2030 સુધીમાં વેપારમાં 100 બિલિયન ડોલર (અબજ ડોલર)નો આંકડો ચોક્કસપણે પૂર્ણ થશે.
પુતિને કહ્યું કે, પીએમ મોદીએ પારસ્પરિક વેપારમાં જે મુશ્કેલીઓ આવી રહી છે તેની એક મોટી યાદી આપી છે, જેના પર રશિયા ધ્યાન આપશે. આ સાથે જ એક મોટો ટેક્નોલોજીકલ સહયોગ પણ સામે આવ્યો છે. રશિયા ભારતને ‘સ્મોલ પોર્ટેબલ ન્યુક્લિયર ટેકનોલોજી’ આપશે. તેમણે કહ્યું કે તેઓ નિયમિતપણે પીએમ મોદી સાથે ફોન પર વાતચીત કરે છે અને મુખ્ય મુદ્દાઓ પર સતત સંવાદ જાળવી રાખે છે.
રાષ્ટ્રપતિ પુતિને આ વાતચીતના પરિણામને ‘સમજૂતીઓનું એક નક્કર પેકેજ’ ગણાવ્યું, જે રશિયા-ભારત સહયોગની વ્યાપકતા દર્શાવે છે. મોસ્કો અને નવી દિલ્હી વચ્ચે હસ્તાક્ષર કરાયેલા કરારોનો હેતુ આર્થિક સહયોગનો વિસ્તાર કરવાનો છે. રશિયા અને ભારતે સંયુક્ત વિકાસ માટે લાંબા ગાળાના લક્ષ્યો નક્કી કરીને 2030 સુધીના એક આર્થિક સહયોગ રોડમેપનું સંકલન કર્યું છે.

