દોહા, 11 માર્ચ 2026: ઈરાન અને પશ્ચિમી દેશો વચ્ચે વધી રહેલા સૈન્ય સંઘર્ષની વચ્ચે ખાડીના મહત્વના દેશ કતારે એક મોટો નિર્ણય લીધો છે. કતારે સ્પષ્ટપણે જાહેર કર્યું છે કે વર્તમાન સંજોગોમાં તે ઈરાન અને પશ્ચિમી દેશો વચ્ચે મધ્યસ્થીની ભૂમિકા ભજવી શકે તેમ નથી. કતારના વિદેશ રાજ્ય મંત્રી મોહમ્મદ બિન અબ્દુલ અઝીઝ અલ-ખુલૈફીએ એક મુલાકાતમાં પોતાનું વલણ સ્પષ્ટ કર્યું હતું.
અલ-ખુલૈફીએ જણાવ્યું હતું કે, “કતાર અને ઓમાન બંને લાંબા સમયથી ઈરાન અને પશ્ચિમી દેશો વચ્ચે સંવાદ સ્થાપિત કરવાના પ્રયાસો કરી રહ્યા છે. પરંતુ આટલા પ્રયત્નો છતાં પણ અમારા દેશો પર હુમલા થઈ રહ્યા છે. જ્યારે અમે પોતે જ હુમલાઓનો સામનો કરી રહ્યા હોઈએ, ત્યારે કોઈની વચ્ચે વાતચીત કરાવવાની સ્થિતિમાં નથી. ઈરાને આ વાત સમજવી જોઈએ.”
કતારના વિદેશ મંત્રીએ વધુમાં ઉમેર્યું કે, “આ પ્રદેશના દેશો ઈરાનના દુશ્મન નથી, પરંતુ ઈરાન આ હકીકતને સમજી રહ્યું નથી.” તેમણે ઈશારો કર્યો હતો કે, ઈરાનના વલણને કારણે મધ્ય પૂર્વમાં અસ્થિરતા વધી રહી છે અને તેનાથી શાંતિ સ્થાપવાના પ્રયાસોને મોટો ફટકો પડ્યો છે.
આ રાજદ્વારી ગતિરોધની વચ્ચે, બુધવારે સવારે કતાર સરકારે સંભવિત ઈરાની હુમલાઓને ધ્યાનમાં રાખીને પોતાના નાગરિકો માટે તાત્કાલિક સુરક્ષા એડવાઈઝરી જાહેર કરી છે. કતારે પોતાના નાગરિકોને સતર્ક રહેવા અને સરકારી સૂચનાઓનું પાલન કરવા જણાવ્યું છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, મધ્ય પૂર્વમાં ચાલતા આ સંઘર્ષમાં કતાર અત્યાર સુધી મધ્યસ્થી તરીકે મહત્વનું કેન્દ્ર રહ્યું છે, પરંતુ હવે કતારના આ ઇનકાર બાદ પશ્ચિમી દેશો અને ઈરાન વચ્ચેનો તણાવ વધુ વિસ્ફોટક બને તેવી શક્યતા છે.
આ પણ વાંચોઃ ગુજરાતમાં 6 જિલ્લામાં ઓરેન્જ અને 12 જિલ્લામાં યલો એલર્ટ, ગરમીમાં વધારો થશે

