Site icon Revoi.in

સુરતના પાંડેસરામાંથી સબસીડીયુકત નીમ કોટેડ ખાતરનો જથ્થો ઝડપાયો, પોલીસે તપાસ આરંભી

Social Share

અમદાવાદઃ ગુજરાતમાં ખેડૂતોને ખાતર મળી રહે તે માટે સરકાર દ્વારા સબસીડી સાથે ખાતે  પુરી પાડવામાં આવે છે. જો કે, કેટલાક શખ્સો કમાવી લેવાના લ્હાયમાં ખેડૂતોનું આ ખાતર બારોબાર વેચી નાખતા હોવાની વ્યાપક ફરિયાદો ઉઠી હતી. દરમિયાન ખેતીવાડી અધિકારી અને પોલીસે દરોડો પાડીને ટ્રકમાં ભરેલી 50થી વધારે ખાતરની બેગ સાથે એક વ્યક્તિને ઝડપી લીધો હતો.

સુરતની સંયુકત ખેતી નિયામક(વિ.)ને પાંડેસરા વિસ્તારની સોસાયટીના મકાન ખાતે એક ટ્રકમાંથી શંકાસ્પદ યુરિયાની થેલીઓ ખાલી થઈ રહી હોવાની બાતમી મળી હતી. જેથી નાયબ ખેતી નિયામક(વિસ્તરણ)ના સુરત સીટીના ખેતીવાડી અધિકારી વિશાલકુમાર કોરાટ તથા અન્ય ખેતીવાડી અધિકારીઓ સાથેની ટીમ દ્વારા પાંડેસરા પોલીસને સાથે રાખીને બમરોલી વિસ્તારમાં તપાસ કરતા 50 કિ.ગ્રા વાળી ૫૨ (બાવન) તથા અન્ય ચાર બેગમાંથી સબસીડી યુક્ત ખેત વપરાશ અંગેનું નીમ કોટેડ યુરિયા હોવાનું પ્રાથમિક અનુમાનને આધારે નમુનાઓ લઈ તપાસ માટે મોકલવામાં આવ્યા હતા.

ખેતીવાડી અધિકારી અને પોલીસે મકાનના ભાડુઆત સત્યેન્દ્રસિંહ રાજેશસિંહની પુછપરછ કરતા તેઓએ ખેડુતોને વેચાણ કરતા હોવાનું જણાવ્યું હતું. લેબોરેટરીમાં નીમ કોટેડ યુરિયા હોવાનું સાબિત થતા આ સબસીડીવાળા રસાયણીક ખાતર નીમ કોટેડ યુરીયા ખેતીના બદલે અન્ય ઔદ્યોગીક વપરાશના હેતુસર પોતાના તાબામાં રાખ્યુ હોય તેમના વિરૂધ્ધ પાંડેસરા પોલીસ સ્ટેશનમાં ખેતીવાડી અધિકારી વિશાલ કોરાટે ફરિયાદ નોંધાવી હતી. આમ 50 કિ.ગ્રા.વાળી ૫૨ નંગ સફેદ રંગના મીણીયા થેલી જેની કિ. 15397 (સબસીડી યુકત ભાવ પ્રમાણે) જયારે અન્ય 50 કિ.ગ્રા. વજનની ચાર નંગ થેલી જેની કિ. 1184નો જથ્થો મળી આવ્યો હતો. જેથી ખેતીવાડી અધિકારી દ્વારા તેમની પાંડેસરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. આ બનાવ અંગે પોલીસે ગુનો નોંધીને અન્ય આરોપીઓને ઝડપી લેવા કવાયત શરૂ કરી હતી.

Exit mobile version