Site icon Revoi.in

અમદાવાદમાં રિવરફ્રન્ટ પર રાહુલ ગાંધી 52000 બુથ પ્રતિનિધિઓ સાથે સંવાદ કરશે

Social Share

અમદાવાદઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણીને હવે ત્રણ મહિના બાકી રહ્યા છે, ત્યારે ભાજપની જેમ કોંગ્રેસ દ્વારા પણ ચૂંટણીની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી 5મી સપ્ટેમ્બરે ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. અમદાવાદમાં રિવરફ્રન્ટ પર કોંગ્રેસના બાવન હજાર બુથ પ્રતિનિધિઓ સાથે રાહુલ ગાંધી સંવાદ કરશે. તે ઉપરાંત પ્રભારી સહિતના પ્રદેશ નેતાઓ સાથે બેઠક યોજીને રાજકીય પરિસ્થિતિની સમીક્ષા કરશે.કોંગ્રેસની નબળાઈ કે નબળા દેખાવ માટે ઉમેદવાર પસંદગી પ્રક્રિયામાં ઢીલ, બુથ લેવલે નબળા મેનેજમેન્ટ જેવા કારણો માલુમ પડયા હતા તેને ધ્યાને રાખી પાર્ટીએ પ્રથમ વખત બુથ મેનેજમેન્ટ પર ભાર મુકી રહી છે.

સૂત્રોના જણાવ્યા મુજબ ગુજરાત કોંગ્રેસ દ્વારા રાહુલ ગાંધીના આગમનને લઈને તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. અમદાવાદના  રિવરફ્રંન્ટ ખાતે રાહુલ ગાંધીનો બુથ પ્રતિનિધિઓ સાથે વાર્તાલાપનો કાર્યક્રમ યોજાશે. પ્રદેશ નેતાઓ સાથેની બેઠકમાં રાહુલ ગાંધી ઉમેદવારોની પસંદગી સંબંધી ચર્ચા કરશે અને ત્યારબાદ કોંગ્રેસની ચૂંટણી સમિતિની પ્રથમ બેઠક થશે. આ જ દિવસે સ્ક્રીનીંગ કમીટીની પણ બેઠક યોજવામાં આવશે. 15મી સપ્ટેમ્બર સુધીમાં ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરવાનો ટાર્ગેટ નકકી થયો છે. પ્રથમ લીસ્ટમાં 30થી 40 ઉમેદવારોના નામો જાહેર થવાની શકયતા છે.

સૂત્રોએ વધુમાં જણાવ્યું હતું કે, ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં જીત મેળવવા માટે કોંગ્રેસ દ્વારા આગામી સમયમાં તમામ વિધાનસભા બેઠકો પર પદયાત્રાનું આયોજન કરાયુ છે. પદયાત્રાના માધ્યમથી કોંગ્રેસે કરેલા કાર્યો લોકો સુધી પહોંચાડવામાં આવી રહ્યા છે. ‘કોંગ્રેસનું કામ બોલે છે’ શિર્ષક હેઠળ ‘બોલો સરકાર’ કેમ્પેઇન લોન્ચ કરવામાં આવ્યુ છે . આ કેમ્પેઈન અંતર્ગત કોંગ્રેસની તત્કાલિન સરકારમાં થયેલા કામની માહિતી લોકો સમક્ષ પહોંચાડવામાં આવી રહી છે. આ ઉપરાંત હવે કોંગ્રેસ પણ ભાજપના રસ્તે જઈ સંગઠન વધુ મજબૂત કરવા તરફ ધ્યાન આપી રહ્યું છે. તેને લઈને બુથ મેનેજમેન્ટ માટે પ્રદેશ કોંગ્રેસે વ્યૂહરચના ઘડી છે. ‘મારું બુથ મારું ગૌરવ’ કેમ્પેઇન હેઠળ બુથોને મજબૂત કરવામાં આવશે.