Site icon Revoi.in

રાહુલ ગાંધીની મુશ્કેલી વધી, બે વર્ષની સજાના આદેશ બાદ તેમનું લોકસભાનું સભ્યપદ રદ કરાયું

Social Share

નવી દિલ્હીઃ કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીની મુશ્કેલીમાં વધારો થયો છે. તેમનું લોકસભાનું સભ્યપદ નાબૂદ કરવામાં આવ્યું છે. માનહાનિના કેસમાં ગુજરાતની સુરત કોર્ટે ગતરોજ રાહુલ ગાંધીને દોષિત ઠેરવ્યા હતા અને બે વર્ષની સજા ફટકારી હતી. જો કે, તેને એક મહિના માટે સજા સ્થગિત કરીને જામીન આપવામાં આવ્યા હતા. લોકસભા સચિવાલય દ્વારા આ સંબંધમાં એક નોટિફિકેશન પણ બહાર પાડવામાં આવ્યું છે.

નોટિફિકેશનમાં કહેવામાં આવ્યું છે કે, તેમની અયોગ્યતાનો આદેશ 23 માર્ચથી લાગુ થશે. તેમને (રાહુલ ગાંધી)ને બંધારણની કલમ 102(1) અને જનપ્રતિનિધિત્વ અધિનિયમ, 1951ની કલમ 8 હેઠળ ગેરલાયક ઠેરવવામાં આવ્યા છે. જો કે રાહુલ ગાંધી સુરત કોર્ટના આદેશને ઉચ્ચ અદાલતમાં પડકારશે. નો સંપર્ક કરી શકે છે. જો રાહુલ ગાંધીને ઉચ્ચ અદાલતમાંથી રાહત નહીં મળે તે તેઓ આગામી છ વર્ષ સુધી કોઈ ચૂંટણી લડી શકશે નહીં. રાહુલ ગાંધીની સદસ્યતા સમાપ્ત થયા બાદ કહ્યું હતું કે, સત્ય બહાર આવશે અને સુરત કોર્ટ દ્વારા આપવામાં આવેલ નિર્ણય ઉચ્ચ અદાલત દ્વારા બદલવામાં આવશે. પાર્ટીએ દાવો કર્યો છે કે રાહુલ ગાંધી વધારે મજબૂત બનીને પરત ફરશે.

કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું કે, રાહુલ ગાંધીએ એવો તો કયો મોટો ગુનો કર્યો છે જેમાં આ કાર્યવાહી કરવામાં આવી. ભાજપ એવી ધારણા બનાવી રહી છે કે, રાહુલ ગાંધી પછાત વર્ગો વિરુદ્ધ બોલે છે. રાહુલ દેશની સામે સત્ય મૂકી રહ્યા છે જે ભાજપને પસંદ નથી. આ કારણથી તેઓ વિચારી રહ્યા છે કે રાહુલની સદસ્યતા નાબૂદ કરવાથી સમસ્યાનો અંત આવશે, પરંતુ એવું થવાનું નથી.

કોંગ્રેસના મહાસચિવ જયરામ રમેશે કહ્યું કે, અમે આ લડાઈ કાયદાકીય અને રાજકીય બંને રીતે લડીશું. અમે ગભરાઈશું નહીં કે ચૂપ થઈશું નહીં. પીએમને સંડોવતા અદાણી મહામેગા કૌભાંડમાં JPC બનાવવાને બદલે રાહુલ ગાંધીને ગેરલાયક ઠેરવવામાં આવ્યા છે. દરમિયાન બીજેપી નેતા પ્રહલાદ જોશીએ કહ્યું કે અમારે આ મામલે કંઈ કરવાનું નથી. જ્યારે પણ કોર્ટમાંથી બે વર્ષની સજા થાય છે, ત્યારે સભ્યપદ આપોઆપ સમાપ્ત થઈ જાય છે. કાયદા હેઠળ આ કાર્યવાહી કરવામાં આવી છે.