Site icon Revoi.in

જુનાગઢ જિલ્લામાં વીજચોરી સામે દરોડા, 80 ગેરકાયદે જોડાણો પકડાયા, 16.54 લાખનો દંડ ફટકાર્યો

Social Share

જુનાગઢઃ ગુજરાતમાં વીજચોરીનું દુષણ વધતું જાય છે, લાઈનવીજ લોસમાં વધારો થતાં વીજ કંપનીઓને કરોડો રૂપિયાની ખોટ થઈ રહી છે. ત્યારે પીજીવીસીએલ દ્વારા સૌરાષ્ટ્રભરમાં વીજચોરી સામે ઝૂંબેશ શરૂ કરવામાં આવી છે. જેમાં જુનાગઢ જિલ્લામાં વીજચોરી સામે ઝૂંબેશ શરૂ કરાતા વીજળીના 80 જેટલા ગેરકાયદે જોડાણો પકડાયા હતા. અને 16.54 લાખનો દંડ ફટકારવામાં આવ્યો હતો.

સૂત્રોના જણાવ્યા મુજબ જુનાગઢ જિલ્લામાં વીજચોરી અટકાવવા માટે PGVCLની 36 ટુકડીઓ દ્વારા વિસાવદર, ભેંસાણ અને જૂનાગઢ ગ્રામ્યના વિસ્તારમાં વીજચેકિંગ હાથ ધરાયું હતું. જેમાં 403 જેટલા જોડાણનું ચેકીંગ કરતા 80માં ગેરરીતિ પકડાઈ હતી.  તંત્રએ રૂા. 16.54 લાખનો દંડ ફટકાર્યો હતો.

જૂનાગઢ વિભાગીય કચેરી-1 હેઠળની જૂનાગઢ રૂરલ, વિસાવદર-1, વિસાવદર-2, બિલખા તેમજ ભેંસાણ પેટાવિભાગીય કચેરીઓ હેઠળના વિવિધ વિસ્તારોમાં એસ.આર.પી. સ્ટાફ અને અન્ય સ્ટાફના ચુસ્ત બંદોબસ્ત હેઠળ ઈજનેરોની કુલ 36 ટીમો દ્વારા વીજચેકિંગની કામગીરી કરાઇ હતી. જેમાં રહેણાંક, વાણિજ્યિક, ખેતીવાડી વગેરે મળીને કુલ 403 વીજજોડાણો ચકાસવામાં આવ્યાં. જેમાં 80 વીજજોડાણોમાં ગેરરીતિ સામે આવતા કુલ રૂા. 16.54 લાખનો દંડ ફટકારવામાં આવ્યો હતો. એપ્રિલ-22 થી જાન્યુઆરી-23 દરમિયાન વર્તુળ કચેરી હેઠળ કુલ 26629 વીજજોડાણો ચકાસવામાં આવ્યાં. જેમાં કુલ 2899 વીજજોડાણોમાં ગેરરીતિથી કુલ રૂ. 751.12 લાખનો દંડ આપવામાં આવ્યો હતો. જ્યારે સમગ્ર પીજીવીસીએલ હેઠળ ઉપરોક્ત સમયગાળા દરમિયાન કુલ 569168 વીજજોડાણો ચકાસીને કુલ 67584 વીજજોડાણોમાંથી ગેરરીતિ પકડી કુલ રૂ.174.88 કરોડના બિલ આપવામાં આવ્યાં હતા. આગામી દિવસોમાં ચેકિંગની આ ઝુંબેશને વધુ વ્યાપક અને ગતિશીલ બનાવાશે. તંત્રની આ કામગીરીને લીધે વીજચોરોમાં ફફડાટ વ્યાપી ગયો છે.

Exit mobile version