Site icon Revoi.in

જમ્મુ-કાશ્મીરમાં એસઆઈ ભરતી કૌભાંડ મામલે દેશભરમાં 33 સ્થળો ઉપર સીબીઆઈના દરોડા

Social Share

નવી દિલ્હીઃ કેન્દ્રીય એજન્સીઓએ દેશ વિરોધી પ્રવૃતિઓ અને કૌભાંડ મામલે તપાસનો ધમધમાટ તેજ કર્યો છે. દરમિયાન જમ્મુ-કાશ્મીરમાં સબ ઈન્સ્પેકટરની ભરતીમાં કથિત અનિયમિતતાને લઈને સીબીઆઈએ ગુજરાતની રાજધાની ગાંધીનગર સહિત દેશભરમાં લગભગ 33 સ્થળો ઉપર સાગમટે દરોડા પાડ્યાં હતા.

ગુજરાત ઉપરાંત ઉત્તરપ્રદેશ, દિલ્હી, કર્ણાટક અને હરિણાયામાં સીબીઆઈએ તપાસનો ધમધમાટ તેજ કર્યો છે. તપાસમાં મોટા માથાઓની સંડોવણી બહાર આવે તેવી શકયતા વ્યક્ત કરવામાં આવી રહી છે.

સુત્રોના જણાવ્યા અનુસાર જમ્મુ-કાશ્મીર એસએસબીના પૂર્વ અધ્યક્ષ ખાલિદ જહાંગીર અને જમ્મુ અને કાશ્મીર સર્વિસિસ સિલેક્શન બોર્ડ (JKSSB)ના પરીક્ષા નિયંત્રક અશોક કુમાર અંગે પણ તપાસ કરવામાં આવી રહી છે. સીબીઆઈએ લગભગ 33 સ્થળો ઉપર તપાસ શરૂ કરી છે.

જમ્મુ, શ્રીનગર, હરિયાણાના કરનાલ, મહેન્દ્રગઢ, રેવાડી, ગુજરાતના ગાંધીનગર, દિલ્હી, ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદ અને કર્ણાટકના બેંગ્લોરમાં દરોડા પાડ્યા હતા. CBI  દ્વારા કથિત ગેરરીતિઓની તપાસના સંદર્ભમાં દરોડાનો આ બીજો રાઉન્ડ છે.

એજન્સીએ જણાવ્યું કે, CBIએ જમ્મુ-કાશ્મીર પોલીસમાં SIના પદ માટે 27મી માર્ચ 2022ના રોજ JKSSB દ્વારા આયોજિત લેખિત પરીક્ષામાં અનિયમિતતાઓના આરોપમાં 33 આરોપીઓ વિરુદ્ધ જમ્મુ-કાશ્મીર તંત્રના અનુરોધ પર કેસ દાખલ કર્યો હતો.

જમ્મુ અને કાશ્મીર વહીવટી તંત્રએ ગયા મહિને અનિયમિતતાની ફરિયાદોને પગલે જમ્મુ અને કાશ્મીર પોલીસમાં સબ-ઈન્સ્પેક્ટર (SI)ની ભરતી રદ કરી હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે, બે દિવસ પહેલા જ એનઆઈએએ દેશવિરોધી પ્રવૃતિ અને હવાલા મામલે સમગ્ર દેશમાં વિવિધ સ્થળો ઉપર દરોડા પાડીને તપાસનો ધમધમાટ તેજ કર્યો હતો.