Site icon Revoi.in

ભરૂચમાં નર્મદા નદી પરના સિલ્વર બ્રિજની સપાટી 40 ફુટથી ઘટતા રેલ વ્યવહાર શરૂ કરાયો

Social Share

ભરૂચઃ સરદાર સરોવર નર્મદા ડેમમાંથી લાખો ક્યુસેક પાણી છોડાતા નર્મદા નદીમાં પૂર હોનારતની સ્થિતિ ઊભી થઈ હતી. દરમિયાન નર્મદા નદી પરના રેલવેના સિલ્વર બ્રિજની સપાટી 40 ફૂટે પહોંચતા વેસ્ટર્ન રેલવે દ્વારા ગત રવિવારની મોડી રાતથી મુંબઈ-અમદાવાદ વચ્ચેનો ટ્રેન વ્યવહાર પણ બંધ કરી દેવામાં આવ્યો હતો. સોમવારે નર્મદા નદીના પાણી જોખમી સ્તરથી નીચે ઉતરવાના કારણે અપ અને ડાઉન બંને લાઈન પર રેલ વ્યવહાર શરૂ કરવામાં આવ્યો છે. જેથી અમદાવાદ-મુંબઈ તરફ જતી અને આવતી ટ્રેનોને ધીમે ધીમે સાવધાનીપૂર્વક ચલાવવામાં આવી રહી છે. જોકે રેલવે વિભાગ દ્વારા 18 તારીખે ચાલનારી 15થી વધુ ટ્રેનોને રદ કરી હતી.

ભરૂચમાં નર્મદા નદીમાં આવેલા ઘોડાપૂરને કારણે 10 વર્ષ બાદ દેશની લાઈફલાઈન સમી દિલ્હી-મુંબઈ-અમદાવાદ ટ્રેન રૂટને 12 કલાક માટે બંધ કરી દેવાની ફરજ પડી હતી. રવિવારે રાતે 12 કલાકે ભરૂચના 78 વર્ષ જુના સિલ્વર રેલવે બ્રિજના ટ્રેક પર રેલના પાણી ફરી વળતા સલામતી અને જાનમાલની સંભવિત હાનિ ખાળવા રેલવેને રેડ સિગ્નલ આપવાનો નિર્ણય લેવાયો હતો.વેસ્ટન રેલવે દ્વારા હેલ્પલાઇન નંબર અને ભરૂચ સહિતના રેલવે સ્ટેશન પર હેલ્પ ડેસ્ક શરૂ કરી દેવાયા હતા. ભરૂચ અંકલેશ્વર વચ્ચેથી ટ્રેન વ્યવહાર બંધ થતાં હજારો મુસાફરો અટવાઈ ગયા હતા. ત્યારબાદ સોમવારે સવારે 11.30 કલાકે ભરૂચ સિલ્વર બ્રિજના દિલ્હી – મુંબઈ અપ ટ્રેક પરથી જ્યારે બપોરે 12.28 કલાકે મુંબઈ-દિલ્હી ડાઉન ટ્રેક પરથી પુરના પાણી ઓસર્યા હતા. રેલવે તંત્રે સલામતી માટે પહેલા લાઈટ એન્જીન દોડાવી ટેસ્ટિંગ કર્યું હતું. ત્યારબાદ બાદ 12 કલાકથી ઠપ થયેલો ટ્રેન વ્યવહાર શરૂ કરાયો હતો. જોકે સિલ્વર બ્રિજ પરથી સુરક્ષા સલામતીને ધ્યાને રાખી ધીમી ગતિએ ટ્રેનો પસાર કરવામાં આવી રહી છે.

સૂત્રોએ જણાવ્યું હતું કે, રેલવેએ ટ્રેનોમાં અટવાઈ ગયેલા મુસાફરો માટે દરેક સ્ટેશને પૂરતા પ્રમાણમાં પાણી અને નાસ્તા સહિતની વ્યવસ્થા ઉપલબ્ધ રાખી હતી. સાથે જ 30 થી વધુ બસો પણ મુસાફરો માટે મુકવામાં આવી હતી. 12 કલાકમાં 83 ટ્રેનો પ્રભાવિત થતા 1.24 લાખ મુસાફરોને હાલાકી ભોગવવી પડી હતી. ભરૂચ અને અંકલેશ્વર વચ્ચેના બ્રિજ નંબર 502ની અપલાઇન પરનું પાણી ખતરાના નિશાનથી નીચે આવતાં આ ટ્રેક પરથી રેલ વ્યવહાર શરૂ કરવામાં આવ્યો હતો. હાલ ટ્રેનો ધીમી ગતિ અને સાવધાનીથી પસાર કરવામાં આવી રહી છે.