Site icon Revoi.in

ગુજરાતમાં વરસાદી માહોલ, 101 તાલુકામાં મેઘમહેર

Social Share

અમદાવાદઃ રાજ્યમાં લાંબા વિરામ બાદ ફરી એકવાર મેઘરાજા મહેરબાન થયા છે અને વરસાદી માહોલ જામ્યો છે. દરમિયાન સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના અનેક શહેરો-નગરોમાં વરસાદ વરસ્યો હતો. આ ઉપરાંત અમદાવાદ શહેર અને આસપાસના વિસ્તારમાં સવારથી જ આકાશ વાદળછાયુ રહ્યું હતું. તેમજ કેટલાક વિસ્તારમાં હળવો વરસાદ વરસ્યો હતો. હવામાન વિભાગે આગામી ત્રણેક દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

ગુજરાતમાં 24 કલાકમાં 101 તાલુકાઓમાં વરસાદ નોંધાયો હતો. જેમાં  દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના અનેક તાલુકાઓમાં એક થી  અઢી ઇંચ સુધી વરસાદ થયો હતો. નર્મદા જિલ્લાના  સાગબારામાં અઢી ઇચ, ગરુડેશ્વરમાં બે ઇંચ થયો હતો. જ્યારે સુરતના બારડોલીમાં  બે ઇંચ, ઉમરપાડામાં  દોઢ ઇંચ અને માંડવીમાં  સવા ઇંચ વરસાદ નોંધાયો હતો.  તો  તાપી જિલ્લાના સોનગઢમાં પોણા બે ઇંચ, ઉચ્છલમાં  દોઢ ઇંચ વરસાદ થયો હતો.તો હવામાન  વિભાગના જણાવ્યા અનુસાર, પૂર્વી મધ્યપ્રદેશમાં એક લો પ્રેસર બનતા ગુજરાતમાં વરસાદની સંભાવના વધી છે. જેને અનુલક્ષીને હવામાન વિભાગ દ્વારા ચાર દિવસની વરસાદની આગાહી કરવામાં આવી છે.

રાજ્યમાં અત્યાર સુધીમાં ચોમાસાની સિઝનમાં 82 ટકાથી વધારે વરસાદ વરસ્યો છે. રાજ્યમાં અત્યાર સુધીમાં વરસેલા સારા વરસાદને પગલે જળાશયોમાં નવા પાણીની આવક થઈ છે. જો કે, ઓગસ્ટ મહિનામાં વરસાદ ખેંચાતા ખેડૂતો ચિંતામાં મુકાયા હતા. જો કે, હવે ફરી એકવાર આકાશમાં વાદળો ઘેરાતા ખેડૂતોમાં ખુશી ફેલાઈ છે અને ખેતરમાં ઉભા પાકને નવુ જીવતદાન મળવાની આશા જાગી છે.