Site icon Revoi.in

મહારાષ્ટ્રમાં શિયાળાના પ્રારંભે જ વરસાદી માહોલ, માવઠાથી તૈયાર થયેલા ખરીફ પાકને નુકશાન

Social Share

મુંબઈઃ અરબી સમુદ્રમાં સર્જાયોલા લો પ્રેશરને કારણે મહારાષ્ટ્રમાં શિયાળાના પ્રારંભે જ વરસાદી માહોલ સર્જાયો છે. મહારાષ્ટ્રના કેટલાક  વિસ્તારમાં આજે માવઠું થતાં તૈયાર થયેલા અને માર્કેટયાર્ડમાં  પડેલા ખરીફ પાકને નુકશાન થયું હતું. ભારતીય હવામાન વિભાગના આગાહીને પગલે મહારાષ્ટ્રમાં ભારે વરસાદને પગલે એલર્ટ જાહેર કરવામાં આવ્યુ છે. શુક્રવાર સાંજથી રાજ્યના અનેક જિલ્લાઓમાં વરસાદ શરૂ થયો હતો. મુંબઈ, થાણે, નવી મુંબઈ, પાલઘર સહિત મરાઠવાડા, રત્નાગિરી, સાંગલી, સતારા, નાસિક જેવા જિલ્લાઓમાં ભારે વરસાદને પગલે જનજીવન ખોરવાયુ હતું.

મહારાષ્ટ્રના નાસિક સહિતના જિલ્લાઓમાં દિવાળીના સમયે અચાનક પડેલા આ વરસાદને કારણે લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. નાશિક  જિલ્લામાં ભારે વરસાદ પડ્યો હતો. શહેરમાં મોડી રાત સુધીમાં 31.8 મીમી વરસાદનો રેકોર્ડ નોંધાયો હતો. ચોમાસાના અંત બાદ શહેરમાં અત્યાર સુધીમાં રેકોર્ડ 71.3 મીમી વરસાદ નોંધાયો છે. વરસાદના કારણે તાપમાનમાં પણ 3 ડિગ્રીનો વધારો થયો હતો.

હવામાન વિભાગ દ્વારા શનિવારે પણ રાજ્યમાં મુશળધાર વરસાદનું એલર્ટ જાહેર કર્યું છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર રાજ્યમાં આગામી બે-ત્રણ દિવસ સુધી વરસાદ થવાની સંભાવના છે. હવામાન વિભાગ દ્વારા ભારે વરસાદને પગલે કોંકણ, પશ્ચિમ મહારાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં ચેતવણી આપવામાં આવી છે. આકાશ વાદળોથી ગોરંભાયેલું છે. દિવાળીના તહેવારમાં આવેલા આ અચાનક વરસાદને કારણે ખેડૂતોને મોટું નુકસાન થવાની આશંકા છે. કોંકણ, સિંધુદુર્ગ, રત્નાગીરીમાં ભારે વરસાદને પગલે લોકોએ પારાવાર મુશ્કેલીનો સામનો કર્યો હતો. આ જિલ્લાઓ સિવાય સાંગલી, કોલ્હાપુર જિલ્લાના ઘણા વિસ્તારોમાં પણ માવઠું પડ્યું હતું.

હવામાન વિભાગના સૂત્રોએ જણાવ્યું હતું કે, દક્ષિણ કોંકણ, દક્ષિણ મધ્ય મહારાષ્ટ્ર અને મરાઠવાડામાં વાવાઝોડા સાથે મધ્યમથી ભારે વરસાદની સંભાવના છે. તેમજ મરાઠવાડાના કેટલાક જિલ્લાઓમાં ભારે વરસાદને પગલે એલર્ટ આપવામાં આવ્યુ છે.

દિવાળીના સમયે કમોસમી વરસાદે ચિંતા વધારી દીધી છે. ભારતીય હવામાન વિભાગના મુંબઈ વિભાગ દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર રાજ્યના ઘણા ભાગોમાં આગામી ત્રણ-ચાર દિવસ સુધી વરસાદની સંભાવના છે. અરબી સમુદ્રમાં લો પ્રેશર સર્જાવવાને લીધે મહારાષ્ટ્રના કેટલાક ભાગોમાં માવઠું પડ્યું હતું.

 

 

Exit mobile version