Site icon Revoi.in

“કોરોના સેવાયજ્ઞ” અભિયાનનું મુખ્યમથક બન્યું રાજભવનઃ પાયાના કોરોના વોરિયર્સના પરિવારજનોને મદદ કરાશે

Social Share

ગાંધીનગરઃ ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની પ્રેરણાથી દિવસ રાત અવિરત ફરજ બજાવતા ફ્રન્ટલાઇન કોરોના વોરિયર્સના પરિવારજનોને સહાયભૂત થવાના ઉદ્દેશથી ગુજરાત રાજભવન “કોરોના સેવાયજ્ઞ” અભિયાનનું મુખ્યમથક બન્યું છે. ગુજરાતની યુવા અનસ્ટોપેબલ સંસ્થાના સહયોગથી ગુજરાત રાજભવન ખાતે “કોરોના સેવાયજ્ઞ” અભિયાનનો પ્રારંભ કરાવતા રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે જણાવ્યું છે કે, કોરોના સંક્રમિતોની દિવસ – રાત સેવા કરતા ફ્રન્ટલાઇન કોરોના વોરિયર્સની કામગીરી ખરા અર્થમાં અભિનંદનને પાત્ર છે. તેમના પરિવારજનોને  સહાયભૂત થવાના ઉદ્દેશથી રાજભવન ખાતેથીઆ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. આ સેવાયજ્ઞમાં વધુને વધુ નાગરિકો જોડાય તે માટે તેમને પ્રોત્સાહિત કરાશે. એક લાખ ફ્રન્ટલાઇન કોરોના વોરિયર્સના પરિવારજનો સુધી પહોંચવાના લક્ષ્યાંક સાથે આ અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો છે. જેનું મુખ્ય મથક રાજભવન, ગુજરાત રહેશે.

ગુજરાતની અમદાવાદ સ્થિત યુવા અનસ્ટોપેબલ સંસ્થાના સહયોગથી ફ્ન્ટલાઇન કોરોના વોરિયર્સના પરિવારજનો માટે તૈયાર કરવામાં આવેલી રાશન અને જીવનજરૂરી ચીજવસ્તુઓની બે મહિના ચાલે તેવી કીટનું ગુજરાત રાજભવન ખાતેથી વિતરણ કરવામાં આવશે. આ અભિયાન અંગે વધુ માહિતી આપતા સંસ્થાના અમિતાભ શાહના જણાવ્યા પ્રમાણે કોરોના સંક્રમણના આ કપરા કાળમાં ફ્રન્ટલાઇન કોરોના વોરિયર્સ પોતાના પરિવારથી દૂર,કામના ભારણ અને તણાવ વચ્ચે સંક્રમિતોની સેવા કરવામાં સતત વ્યસ્ત રહેતા હોય છે. આવા સમયે તેમના પરિવારજનોની ચિંતા કરવાના, તેમને  સહાયભૂત થવાના ઉદેશ સાથે માત્ર ગુજરાતમાં જ નહીં, રાજભવન દ્વારા શરૂ કરાયેલા આ સેવાયજ્ઞ દ્વારા દેશભરના ફ્રન્ટલાઇન કોરોના વોરિયર્સના પરિવારજનોને સહાય કરવા તેમની ટીમ તૈયાર છે. આ અભિયાનમાં સમાજના પ્રતિષ્ઠિત નાગરિકો અને સેલિબ્રીટીઝને પણ જોડવામાં આવશે