જયપુર, 16 જાન્યુઆરી 2026: રાજસ્થાનના ચિત્તોડગઢ-ઉદયપુર નેશનલ હાઈવે પર ગુરુવારે મોડી રાત્રે એક કાળજું કંપાવી દેનારો માર્ગ અકસ્માત સર્જાયો હતો. નરધારી વિસ્તાર પાસે રાત્રે 1 વાગ્યાના સુમારે થયેલા આ અકસ્માતમાં કાર સવાર ચાર લોકોના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત નીપજ્યા છે. આ દુર્ઘટનાને પગલે મૃતકના પરિવારજનોમાં ભારે આક્રંદ છવાયું છે.
મળતી માહિતી મુજબ, કાર ચિત્તોડગઢથી ઉદયપુર તરફ જઈ રહી હતી. રાત્રિના અંધારામાં હાઈવે પર એક બળદનો મૃતદેહ પડ્યો હતો, જે કાર ચાલકને સમયસર દેખાયો નહોતો. કાર પશુના મૃતદેહ સાથે અથડાતા ચાલકે સ્ટેયરિંગ પરનો કાબૂ ગુમાવ્યો હતો. પરિણામે કાર ડિવાઈડર ઓળંગીને સામેની લેનમાં પહોંચી ગઈ હતી અને સામેથી પુરપાટ ઝડપે આવી રહેલા એક ટ્રેલર સાથે ધડાકાભેર અથડાઈ હતી.
અકસ્માત એટલો ભયાનક હતો કે કારનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો. પોલીસે ક્રેનની મદદથી કારને સીધી કરી મૃતદેહોને બહાર કાઢ્યા હતા. આ દૂર્ધટનામાં રિંકેશ નાનવાણી, સુહાની નાનવાણી, રજની નાનવાણી (રહે, પ્રતાપનગર, ચિત્તોડગઢ) અને હીરાનંદ નાનવાણી (રહે, ઈન્દોર)નું મૃત્યુ થયું છે.
ઘટનાની જાણ થતા જ ઉચ્ચ પોલીસ અધિકારીઓ કાફલા સાથે ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. પોલીસના જણાવ્યા અનુસાર, અકસ્માતનું દ્રશ્ય એટલું ભયાનક હતું કે જોઈને કોઈ પણ સ્તબ્ધ થઈ જાય. હાલ તમામ મૃતદેહોને જિલ્લા હોસ્પિટલના પીએમ રૂમમાં રાખવામાં આવ્યા છે અને કાયદેસરની તપાસ હાથ ધરાઈ છે.
સ્થાનિક લોકોમાં હાઈવે પર રઝળતા પશુઓ અને સુરક્ષા વ્યવસ્થાને લઈને ભારે રોષ જોવા મળી રહ્યો છે. પોલીસે વાહનચાલકોને રાત્રિના સમયે ગતિ મર્યાદા જાળવવા અને સાવચેતીપૂર્વક વાહન ચલાવવા અપીલ કરી છે.

