Site icon Revoi.in

રાજકોટના આજી-1 ડેમનું માત્ર 42 ટકા જ પાણીનો જથ્થો ઉપલબ્ધ, હવે નર્મદાના નીરથી ડેમ ભરાશે

Social Share

રાજકોટઃ શહેરમાં વર્ષોથી ઉનાળા દરમિયાન પાણીની સમસ્યા સર્જાતી હતી. પરંતુ સૌની યોજના અંતર્ગત આજી અને ન્યારી ડેમ નર્મદાના પાણીથી ભરી દેવાતા હોવાથી હવે પાણીની સમસ્યા દુર થઈ છે, શહેરમાં છેલ્લા એક દશકામાં વસતી સાથે વિસ્તારમાં પણ વધારો થયો છે. આ વખતે ચોમાસા દરમિયાન સારો વરસાદ થતાં આજી અને ન્યારી સહિતના ડેમ છલોછલ ભરાઈ ગયા હતા. ત્યારે એમ લાગતું હતું કે, ઉનાળાના આગમન સુધી નર્મદાનું પાણી ડેમમાં ઠાલવવાની જરૂર નહીં પડે પરંતુ શિયાળાની શરૂઆતમાં જ આજી-1 ડેમ ખાલી થઈ ગયો છે. હાલ ડેમમાં માત્ર 42 ટકા જ પાણીનો જથ્થો ઉપલબ્ધ છે. આથી હવે સૌની યોજના હેઠળ આજી-1 ડેમમાં નર્મદાનું પાણી ઠાલવીને ડેમને છલોછલ ભરી દેવામાં આવશે.

રાજકોટની જીવાદોરી સમાન આજી-1 ડેમ છેલ્લા ઘણા વર્ષોથી ચોમાસામાં પુરો ભરાઇ જાય છે, છતાં પણ શહેરની સતત વધી રહેલી વસ્તીના પ્રમાણમાં પાણીનો સંગ્રહ ઓછો પડતો હોય, આજી-1 ડેમ સૌની યોજનાની સહારે આવી ગયો છે. વારંવાર આજીડેમ પુરતો ભરાઇ ગયો હોવા છતાં બેથી અઢી માસમાં જ આજી ડેમમાં સૌની યોજનાનું પાણી ઠેલાવવું પડે છે. ત્યારે માંડ બીજા ચોમાસા સુધી શહેરીજનોને પીવાના પાણીની સુવિધા મળે છે. તાજેતરમાં જ મ્યુનિ. કોર્પોરેશન દ્વારા સિંચાઇ વિભાગને આજી-1 ડેમમાં ફરી સૌની યોજનાનું નર્મદા નીર છોડવા માટે દરખાસ્ત કરવામાં આવી હતી. જેથી સિંચાઇ વિભાગે આજી-1 ડેમમાં ફરી એકવાર સૌની યોજનાનું પાણી ઠાલવવાનો નિર્ણય કર્યો છે.

સૂત્રોએ જણાવ્યું હતું કે,  આજી-1 ડેમમાં ફરી આવતા સપ્તાહથી સૌની યોજનાનું પાણી ઠાલવવામાં આવશે. હાલમાં આજી-1 ડેમમાં માત્ર 42 ટકા જેટલો પાણીનો જથ્થો ઉપલબ્ધ છે અને ડેમની સપાટી 17.50 ફુટ રહેવા પામી છે. એટલે કે હાલમાં 900 એમસીએફટીની ક્ષમતા ધરાવતા આજી-1 ડેમમાં હાલમાં માત્ર 400 એમસીએફટી જેટલું પાણી બચ્યું છે. અને મ્યુનિ. કોર્પો. દ્વારા દૈનિક આજી-1 ડેમમાંથી 8 થી 10 એમસીએફટી પાણીનો ઉપાડ કરવામાં આવે છે. જેના પગલે હવે આજી-1 ડેમમાં સપ્તાહ દરમિયાન ફરી એકવાર સિંચાઇ વિભાગ દ્વારા પ્રથમ તબકકામાં 500 એમસીએફટી નર્મદા નીર ઠાલવવામાં આવશે. (File photo)