- બજાર ખાદ્ય ચીજવસ્તુઓથી ઉભરાય
- ધાણી, દાળિયા, ખજૂરના ભાવમાં વધારો
- 10 થી 20 ટકાનો થયો વધારો
- 10 રૂપિયાથી લઇ 1000 સુધીની પિચકારી
રાજકોટ : આવતીકાલે હોળીનો તહેવાર છે.સૌરાષ્ટ્રમાં લોકો દ્વારા હોલિકાદહનની તૈયારીઓ કરી રહ્યા છે. અને ઘરે-ઘરે છાણા ઉઘરાવી રહ્યા છે.ગામડામાં આજે પણ ઘરે-ઘરે છાણા ઉઘરાવવાની પ્રથા છે જ્યારે શહેરમાં આ પરંપરા વિસરાતી જાય છે.શહેરોમાં હવે રોકડ ઉઘરાવવામાં આવે છે અને બાદમાં છાણાની ખરીદી કરી હોળી પ્રગટાવવામાં આવી રહી છે.હોળી પ્રગટાવી લોકો તેની પ્રદક્ષીણા કરશે અને ખજૂર, ધાણી, દાળિયા તેમા હોમી અને ઉજવણી કરશે જ્યારે બીજા દિવસે રંગોના તહેવાર ધૂળેટીની એક-બીજા ઉપર રંગ ઉડાડી અને ઉજવણી કરશે.
બજારમાં ધાણી,દાળિયા,પતાસાના હારડા,ખજુરની ખરીદી માટે લોકો ઉમટી રહ્યા છે.મોંધવારી પણ સાથે જોવા મળી રહી છે.અને ગત વર્ષની સરખામણીએ આ વર્ષે ઉપરોકત સામગ્રીઓમાં ભાવમાં સરેરાશ 10 થી 20 ટકાનો કિલોએ વધારો થયો છે. જયારે 10 રૂપિયાથી લઇ 1000 રૂપિયા સુધીની પિચકારી બજારમાં વેચાઇ રહી છે, જેમાં એક પિચકારી નવી જોવા મળી છે, જેમાં કલર પણ સાથે ભરવામાં આવે છે અને કલર જ પાણી સાથે મિક્સ થઇ બહાર ઉડે છે. જેની કિંમત 1000 રૂપિયા છે. સાથે જ કલરમાં પણ 200થી લઇ 800 રૂપિયા કિલો સુધીના કલર બજારમાં વેચવામાં આવી રહ્યા છે.
ઉલ્લેખનીય છે કે, સામાન્ય રીતે દર વર્ષે પિચકારી કલરમાં 10થી 15%નો ભાવ વધારો જોવા મળતો હોય છે. પરંતુ આ વર્ષે 25થી 30%નો ભાવ વધારો કલર તેમજ પિચકારીમાં આવ્યો છે. આમ છતાં લોકો કલર પિચકારીની ખરીદી કરી તહેવારને મનાવવા માટે થનગની રહ્યા છે.

