Site icon Revoi.in

રાજકોટઃ ડ્રગ્સ પેડલરના ત્રાસથી કંટાળીને સગીરાએ કર્યો આત્મહત્યાનો પ્રયાસ

Social Share

અમદાવાદઃ સૌરાષ્ટ્રની આર્થિક રાજધાની રાજકોટમાં ચોંકાવનારી ઘટના સામે આવી છે. રાજકોટમાં સગીરાએ આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. ડ્રગ્સ પેડલર મહિલા અને તેના પ્રેમી દ્વારા સગીરાને ડ્રગ્સની હેરાફેરી માટે દબાણ કરતું હોવાથી બંનેથી કંટાળીને સગીરાએ ફિનાઈલ પીને જીવન ટુંકાવવાનો પ્રયાસ કર્યાનું પ્રાથમિક તપાસમાં ખૂલ્યું છે.

પ્રાથમિક માહિતી અનુસાર રાજકોટમાં છેલ્લા કેટલાક સમયથી ચરસ, ગાંજો સહિતના નશીલા દ્રવ્યોના બનાવો સામે આવી રહ્યો છે. દરમિયાન આજે સગીરાએ ફિનાઈલ પીને જીવન ટુંકાવવાનો પ્રયાસ કર્યો હતો. બ્યુટીપાર્લરમાં કામ કરતી આ સગીરાને આશિતા અને તેના બોયફ્રેન્ડ દ્વારા ડ્રગ્સનું વેચાણ કરવા માટે દબાણ કરવામાં આવતું હોવાનું ચર્ચાઈ રહ્યું છે. આત્મહત્યાનો પ્રયાસ કરનારી સગીરાને સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવાઈ હતી. આ બનાવની જાણ થતા પોલીસની ટીમ પણ તાત્કાલિક હોસ્પિટલ દોડી ગઈ હતી. તેમજ સગીરાનું નિવેદન લેવાની કવાયત શરૂ કરી છે. તેમજ સગીરાએ ક્યાં કારણોસર ફિનાઈલ પીને આત્મહત્યાનો પ્રયાસ કર્યો તે જાણવા પોલીસે ચક્રોગતિમાન કર્યાં છે.

સુત્રોના જણાવ્યા અનુસાર યુવતી અને તેનો બોયફ્રેન્ડ સગીરાને પોલીસની ઓળખ આપીને મળ્યાં હતા. તેમજ ડ્રગ્સ વેચવાનું દબાણ કરીને સગીરા અને તેના પરિવારને ડ્રગ્સના ખોટા કેસમાં જેલના સળિયા પાછળ ધકેલી દેવાની ધમકી આપી હોવાનું ચર્ચાઈ રહ્યું છે. 17 વર્ષિય સગીરાની હાલ સીવિલ હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, રાજકોટમાં છેલ્લા 3 વર્ષમાં એનડીપીએસના 14 જેટલા કેસ નોંધાયાં છે. બીજી તરફ રાજકોટના જંગલેશ્વર અને બજરંગવાળી સહિતના વિસ્તારમાં ડ્રગ્સ, ચરસ અને ગાંજાનું વેચાણ કરતા પેડલરો સક્રિય થયા હોવાની ફરિયાદો ઉઠી છે.