Site icon Revoi.in

રાજકોટઃ ચોમાસામાં શહેરી વિસ્તારમાં એક લાખ વૃક્ષોનું રોપણ કરાશે

Social Share

અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાની બીજી લહેરમાં હોસ્પિટલોમાં ઓક્સિજનની અછત સર્જાતા લોકો હવે ઓક્સિજનને લઈને વધારે જાગૃત બન્યાં છે. દરમિયાન રાજકોટમાં ચોમાસામાં વૃક્ષારોપણને પ્રોત્સાહન આપવા માટે પર્યાવરણ પ્રેમીઓને ટ્રી-ગાર્ડ આપવા માટે રૂ. 55 લાખના ખર્ચે મનપાએ પાંચ હજાર ટ્રી-ગાર્ડની ખરીદી કરવામાં આવશે. શહેરમાં કોર્પોરેટર દીઠ 75 નંગ ટ્રી-ગાર્ડ આપવામાં આવશે. જ્યારે સેવાકીય સંસ્થા અને સોસાયટીઓને રૂ.500 માં ટ્રી-ગાર્ડ આપવામાં આવશે. રાજકોટના શહેરી વિસ્તારમાં ચોમાસામાં લગભગ એકાદ લાખ વૃક્ષ રોપવાનું આયોજન કરવામાં આવ્યું છે.

રાજકોટના મેયર ડો.પ્રદીપ ડવે જણાવ્યું હતું કે,ચાલુ વર્ષે ચોમાસામાં વૃક્ષારોપણ માટે રાજકોટવાસીઓને સમયસર ટ્રી-ગાર્ડ મળી રહે તે માટે સાત દિવસની શોર્ટ નોટિસ સાથે ટ્રી-ગાર્ડ ખરીદવા માટેનું ટેન્ડર પ્રસિધ્ધ કરી દેવામાં આવ્યું છે. ટેન્ડરની મુદત આગામી 26મી જૂનના રોજ પૂરી થશે. અંદાજે 55 લાખના ખર્ચે 5000 નંગ ટ્રી-ગાર્ડ ખરીદવામાં આવશે. કોર્પોરેશનને એક ટ્રી-ગાર્ડ આશરે 1100 રૂપિયામાં પડશે. એક ટ્રી-ગાર્ડનું વજન 13 કિલો અને 700 ગ્રામ હશે. લોખંડના આ ટ્રી ગાર્ડની ઊંચાઈ 2.25 મીટરની અને તેનો વ્યાસ 45 સેન્ટીમીટર રહેશે. કોર્પોરેટર દીઠ દર વર્ષની માફક આ વર્ષે પણ 75 નંગ ટ્રી-ગાર્ડની ફાળવણી કરવામાં આવશે. જ્યારે કોઈ સેવાકીય કે સામાજિક સંસ્થા અથવા સોસાયટી જો કોર્પોરેશન પાસેથી ટ્રી-ગાર્ડ ખરીદ કરવા ઈચ્છતી હશે તો તેને પ્રતિ નંગ ટ્રી-ગાર્ડ રૂ. 500 માં આવશે.

60 હજાર વૃક્ષો અર્બન ફોરેસ્ટમાં જ્યારે 40 વૃક્ષ ટીપીના રોડ અને અન્ય સ્થળોએ રોપાશે. રાજકોટમાં વિસ્તારની સરખામણીએ ગ્રીનરીનું પ્રમાણ 50 ટકાથી પણ ઓછું છે. શહેરનું તાપમાન દર વર્ષે ઉનાળાની સીઝનમાં સતત વધી રહ્યું છે. આવામાં ગ્રીનરીનું પ્રમાણ વધારવા માટે મહાપાલિકા દ્વારા સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. ચોમાસાની સીઝનમાં એક લાખથી પણ વધુ વૃક્ષો વાવવાનો અંદાજ કોર્પોરેશન દ્વારા રાખવામાં આવ્યો છે. જે પૈકી 60 હજારથી વધુ વૃક્ષ આજી ડેમ પાસે નિર્માણાધીન અર્બન ફોરેસ્ટમાં પાસે જ્યારે અન્ય 40 હજાર વૃક્ષો નું ટીપીના પ્લોટ કે અન્ય સ્થળોએ વાવેતર કરવામાં આવશે.