Site icon Revoi.in

રાજકોટ રેલવે ડિવિઝન: 17 દિવસમાં જ રૂ. 100 કરોડની નૂર ટ્રાફિકની આવક, ખેડૂતો અને વેપારીઓને પણ આર્થિક ફાયદો

Social Share

અમદાવાદઃ સૌરાષ્ટ્રના વેપારીઓ અને ખેડૂતોની આવકમાં વધારો થાય તે હેતુથી રેલવે વિભાગ દ્વારા વિશેષ ટ્રેન દોડાવવામાં આવી રહી છે. દરમિયાન રાજકોટ ડિવિઝનને સાત મહિનાના સમયગાળામાં રૂ. એક હજાર કરોડથી વધારેની આવક થઈ છે. એટલું જ નહીં માત્ર 17 દિવસના સમયગાળામાં જ રેલવેને 100 કરોડની નૂર ટ્રાફિકથી રેલવેને આવક થઈ હતી.

રાજકોટ વિભાગના વરિષ્ઠ ડીસીએમના જણાવ્યા અનુસાર 7 મહિનાના સમયગાળા દરમિયાન માલ ટ્રેનના 2234 રેકમાં 57.93 લાખ મેટ્રિક ટન માલ લોડ કરવામાં આવ્યો હતો. જેમાં મીઠુ, ક્ધટેનર, ખાતર, સીમેન્ટ, કોલસો, રસાયણો, પેટ્રોલીયમ પેદાશોનો સમાવેશ થાય છે.  એટલું જ નહીં કપાસની ગાસડી, ચણા અને ઘઉં જેવી કેટલીક નવી વસ્તુઓ લોડ કરવામાં આવી હતી. માલ ટ્રેનના 317 રેકના સંચાલનથી 130.07 કરોડની આવક ઉભી થઈ છે. રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં વેપારીઓને માલ પરિવહનની સરળતાથી મળી રહે તે માટે રેલવે વિભાગ દ્વારા વિશેષ ટ્રેન દોડવવામાં આવે છે. એટલું જ નહીં માલ ટ્રેન અંગે વેપારીઓ સાથે ચર્ચા કરીને વધારેમાં વધારે વેપારીઓ આ સેવાનો લાભ મેળવે તે દિશામાં કામગીરી કરવામાં આવી રહી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં જ સુરતથી કેન્દ્રીય મંત્રી દર્શનાબેન જરદોશે કાપડાનો માલ ભરેલી ટ્રેન રવાના કરી હતી. રેલવે વિભાગ દ્વારા શરૂ કરવામાં આવેલી આ સેવાથી નાના વેપારીઓને ફાયદો થાય છે. તેમજ કપાસ સહિતના પાકની પણ નિકાસ કરીને ખેડૂતોને આર્થિક મદદ કરવામાં આવી રહી છે.