Site icon Revoi.in

રાજકોટમાં ગરબાના ગ્રાઉન્ડમાં કેપેસિટી કરતા વધુ ખેલૈયાઓ ભેગા ન કરવા આયોજકોને નિર્દેશ

Social Share

અમદાવાદઃ રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસથી યુવાનોમાં હાર્ટ એટેકના બનાવોમાં વધારો થયો છે. સુરત, રાજકોટ અને જામનગરમાં ગરબાની પ્રેકટિસ કરતા ચારેક યુવાનોને હાર્ટ એટેક આવતા તેમના મોત થતા આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યું છે. બીજી તરફ નવરાત્રિ મહોત્સવને ધ્યાનમાં રાખીને વહીવટી તંત્ર દ્વારા બેઠકોનો દૂર શરૂ કરવામાં આવ્યો છે. સૌરાષ્ટ્રની આર્થિક રાજધાની ગણાતા રાજકોટમાં નવરાત્રિ પર્વ માં ગરબા સ્થળો ઉપર કેપેસિટી કરતા વધારે ખેલૈયા એકત્ર ન થાય તે માટે આયોજકોને તાકીદ કરવામાં આવી છે. આ ઉપરાંત ગરબા સ્થળ ઉપર આરોગ્ય ટીમ અને 108 ટીમ લઈને જરુરી સુચના પણ આપવામાં આવી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર રાજકોટ જિલ્લા કલેક્ટર પ્રભવ જોશીએ ગરબા આયોજકો સાથે મીટીંગ કરી હતી. તેમજ મોટા ગરબા સ્થળોના નજીકના સ્થળો ઉપર 108ની ટીમો તૈનાત રાખવા સુચના કરવામાં આવ્યું છે. આ ઉપરાંત ગ્રાઉન્ડ ઉપર મેડિકલ ઈમર્જન્સી માટે જરુરી મેડિકલ વ્યવસ્થા પહોંચે તેવુ આયોજન કરવા સૂચના અપાઈ છે. દરેક આયોજનમાં સીપીઆર કઇ રીતે લેવાય તેનું લાઇવ વીડિયો પ્રસારણ કરવા અને આયોજકોમાંથી પાંચ વ્યક્તિને તાલીમ લેવા સૂચન કર્યું હતું. તેમજ ગ્રાઉન્ડમાં મેડિકલ કાઉન્ટર અને તબીબોની ટીમ રાખવા સૂચના આપી હતી. આઇએમએ રાજકોટના પ્રેસિડેન્ટ ડો.પારસ શાહે ગરબાના ખેલૈયાઓને સૂચન કરતા જણાવ્યું હતું કે, શ્વાસ ચડે, ચક્કર આવે, ખૂબ થાક લાગે, આંખે અંધારા આવે તો ખેલૈયાઓ તાત્કાલિક બેસી જાય અને ગ્રાઉન્ડ ઉપર ઉપસ્થિત લોકો તેમને સારવાર આપે અને ઇમર્જન્સી ડોક્ટર્સ ઉપસ્થિત રહે. ગ્રાઉન્ડમાં કેપેસિટી કરતા વધુ ખેલૈયાઓ ન થાય અને સ્પેસ રહે તેનું આયોજકો ધ્યાન રાખે.