Site icon Revoi.in

રાજકોટ યાર્ડ ચણા, ધાણા, ઘઉં સહિતની આવકથી ઊભરાયું, આજથી હરાજીનો પ્રારંભ થશે

Social Share

રાજકોટઃ હોળી અને ધૂળેટીના તહેવારો અને માર્ચ એન્ડિંગને લીધે રાજકોટ સહિતના માર્કેટ યાર્ડ્સમાં સપ્તાહનું વેકેશન રહ્યા બાદ 1લી એપ્રિલથી તમામ યાર્ડ્સમાં કામકાજ શરૂ થયા છે. રાજકોટ માર્કેટ યાર્ડમાં વહેલી સવારથી મોટી સંખ્યામાં ખેડૂતો ચણા, ધાણા અને ઘઉં સહિતની જણસીઓ લઈને આવી પહોંચતા યાર્ડ બહાર 1200થી વધુ વાહનોની લાઈનો લાગી હતી. જોકે યાર્ડ સત્તાધીશો દ્વારા ખેડૂતોને કોઈ મુશ્કેલી ન પડે અને હરાજી પ્રક્રિયા સારી રીતે થઈ શકે તે માટે તબક્કાવાર વાહનોને પ્રવેશ આપવામાં આવ્યો હતો. મબલખ આવકને પગલે યાર્ડમાં ઘઉંનાં ઢગલા જોવા મળ્યા હતા. આજે મંગળવારથી હરાજીનો પ્રારંભ થશે.

રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં છેલ્લા કેટલાક સમયથી રવિપાકની આવક ધૂમ થઈ રહી છે.  જોકે વચ્ચે માર્ચ એન્ડિંગને કારણે રજાઓ આવી જતાં ખેડૂતો યાર્ડ શરૂ થવાની રાહ જોઈ રહ્યા હતા, ત્યારે સોમવારે યાર્ડ ખુલતા પહેલા જ ખેડૂતો વહેલી સવારથી વિવિધ જણસીઓ લઈને યાર્ડ ખાતે આવી પહોંચતા વાહનોની લાંબી લાઈનો લાગી હતી. 1200 કરતા વધુ વાહનોની લાંબી લાઈનો લાગતા ઘઉં, ચણા અને ધાણાની મબલખ આવક નોંધાઈ હતી.

રાજકોટ યાર્ડનાં સત્તાધિશોના કહેવા મુજબ માર્કેટ યાર્ડમાં રવિપાકની આવક થઈ રહી છે. દરરોજ મોટા પ્રમાણમાં જણસીઓની આવક થઈ રહી છે. આ દરમિયાન સોમવારે માર્ચ એન્ડિંગની રજાઓ પૂર્ણ થતાં ઘઉં, ચણા અને ધાણાની આવકોનો પ્રારંભ કરાયો હતો. આવક છૂટ આપવાની સાથે જ ખેડુતોએ માલના ખડકલા કરી દીધા હતા અને  ઘઉં, ચણા તેમજ ધાણાની સારી આવક નોંધાઈ હતી. આ તકે ખેડૂતો તેમજ વેપારીઓને કોઈ મુશ્કેલી ન પડે તેવી વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે બેડી માર્કેટિંગ યાર્ડમાં સોમવારે માત્ર વાહનોને પ્રવેશ આપી જણસીઓની ઉતરાઈ કરવામાં આવી હતી. જોકે યાર્ડમાં આજે મંગળવારે  હરાજી-વેપાર શરૂ થવાના છે. સેંકડો- હજારો મણ ઘઉં-ચણા અને ઘાણા સહિતની જણસીઓ આવી જતા રેકોર્ડબ્રેક માત્રામાં વેપાર થવાનો અંદાજ છે. મંગળવારે  હરરાજી થાય ત્યારે ભાવ જાણવા મળશે.